ઓલાન્દેના આક્ષેપનો મોદી જવાબ આપે : રાહુલ ગાંધી

ઓલાન્દેના આક્ષેપનો મોદી જવાબ આપે : રાહુલ ગાંધી
આનંદ વ્યાસ
નવી દિલ્હી, તા. 22 : રફાલ સોદા વિશે ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાન્ઝવાં ઓલાન્દેના ચોંકાવનારા દાવાએ શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસની વચ્ચે વાક્યુદ્ધ શરૂ કર્યું છે. વડા પ્રધાન મોદી પર તીવ્ર હુમલામાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાન્ઝવાં ઓલાન્દે ભારતના વડા પ્રધાનને ચોર કહી રહ્યા છે અને વડા પ્રધાને ચૂપકીદી તોડવી રહી. રફાલ સોદાને ભ્રષ્ટ સોદો ગણાવીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘એ દેખીતું છે કે વડા પ્રધાન મોદી ભ્રષ્ટ છે.’ બીજી તરફ ગાંધી પરિવાર સામે ભ્રષ્ટાચારના કેસોને ટાંકીને કાયદા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે ગુસ્સે ભરાઈને એવો જવાબ આપ્યો હતો કે રાહુલ ગાંધીએ શરમજનક બેજવાબદાર નિવેદન કર્યું છે.
દિલ્હીમાં કૉંગ્રેસના મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હવે વડા પ્રધાન માટે એ મહત્ત્વનું બની રહે છે કે ક્યાં તો ઓલાન્દેના નિવેદનને સ્વીકારે અથવા એવું જણાવે કે ઓલાન્દે જુઠ્ઠું બોલી રહ્યા છે અને સત્ય શું છે તેનો ખુલાસો કરે. વડા પ્રધાનના હોદ્દાની ગરિમાનો આ પ્રશ્ન છે. આપણા જવાનો અને હવાઈદળના ભાવિનો આ પ્રશ્ન છે, એમ જણાવીને         (જુઓ પાનું 8)
રાહુલે ઉમેર્યું હતું કે પ્રથમ વખત ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખે આપણા વડા પ્રધાનને ચોર કહ્યા છે. હું માત્ર તમને એવું કહેવા માગું છું કે તમારા ગજવામાંથી નાણાં લઈને અનિલ અંબાણીના ગજવામાં મૂકયા બાદ વડા પ્રધાને ચૂપકીદી સાધી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને સંપૂર્ણપણે એવી ખાતરી છે કે ભારતના વડા પ્રધાન ભ્રષ્ટ છે. તેમના હોદ્દાનું રક્ષણ કરવા તેમની મદદ માટે હું પ્રયાસ કરી રહ્યો છું. તેમણે ચોખવટ કરવી રહી. વડા પ્રધાન બોલતા નથી. રફાલ સોદામાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને નિર્ણય વડા પ્રધાન દ્વારા લેવાયો હતો અને જે વ્યક્તિને લાભ થયો છે તેણે વડા પ્રધાનની સાથે ફ્રાન્સનો પ્રવાસ ખેડયો હતો. સંયુક્ત સંસદીય સમિતિ રચવી જોઈએ, બધું સ્પષ્ટ થઈ જશે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે અનિલ અંબાણીએ તેમના જીવનમાં કદી વિમાન નથી બનાવ્યું. સોદાના થોડા દિવસો અગાઉ તેમણે પોતાની કંપની રચી હતી. પરંતુ હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિ. પાસેથી સોદો આંચકી લેવાયો હતો અને અનિલ અંબાણીને અપાયો હતો, જેમના માથે 45 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer