રાફેલ વિવાદ: અંબાણીની પસંદગીમાં અમારી ભૂમિકા નથી: ફ્રાન્સ

રાફેલ વિવાદ: અંબાણીની પસંદગીમાં અમારી ભૂમિકા નથી: ફ્રાન્સ
મેઈક ઈન ઈન્ડિયાની નીતિ મુજબ રિલાયન્સ સાથે હિસ્સેદારીનો નિર્ણય: દસોલ્ત
ઓલાન્દના ખુલાસા પછી ફ્રાન્સ સરકારની સ્પષ્ટતા
નવી દિલ્હી, તા. 22: રાફેલ લડાયક જેટ વિમાનના સોદા માટે ભારતીય ઔદ્યોગિક હિસ્સેદારની પસંદગીમાં પોતે કોઈ રીતે સંડોવાયેલી નથી એમ જણાવતાં ફ્રેન્ચ સરકારે ભારપૂર્વક જણાવ્યુ હતું કે કોન્ટ્રેકટ માટે ભારતીય પેઢીઓ પસંદ કરવા ફ્રેન્ચ કંપનીઓને પૂરું સ્વાતંત્ર્ય છે. આ સોદા માટે દસોલ્ત એવીએશનના પાર્ટનર તરીકે ભારતીય સરકારે રિલાયન્સ ડિફેન્સનું નામ સૂચવતાં ફ્રાન્સ પાસે બીજો કોઈ વિકલ્પ જ ન રહ્યો એમ પૂર્વ ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્સ્વા ઓલાન્દેએ કહ્યા અનુસંધાને ફ્રેન્ચ સરકારે આ નિવેદન કર્યુ છે. રાફેલના ઉત્પાદક દસોલ્ત એવીએશને સોદાની ઓફફસેટ જવાબદારીઓ  પરિપૂર્ણ કરવા પાર્ટનર તરીકે રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી છે. ફ્રેન્ચ સરકાર તો ભારપૂર્વક એ વાત દોહરાવી રહી છે કે દસોલ્ત દ્વારા ઓફફસેટ પાર્ટનરની પસંદગીમાં તેની કોઈ ભૂમિકા નથી.
દસોલ્ત એવીએશને નિવેદનમાં જણાવ્યુ છે કે ‘મેઈક ઈન ઈન્ડિયાની નીતિ મુજબ તેણે રિલાયન્સ ડિફેન્સ સાથે હિસ્સેદારી કરવા નિર્ણય કર્યો છે. આ હિસ્સેદારી ફેબ્રુઆરી ’17માં  દસોલ્ત રિલાયન્સ એવીએશન એરોસ્પેસ લિ.ના નિર્માણ ભણી દોરી ગઈ. દસોલ્ત એવીએશન અને રિલાયન્સે ફાલ્કન અને રાફેલ વિમાન માટેના પાર્ટ્સના ઉત્પાદન માટે નાગપુરમાં પ્લાન્ટ ઉભો
કર્યો છે.’
ફ્રેન્ચ સરકાર જણાવે છે કે ‘ભારતની ખરીદી પ્રોસીજર મુજબ ફ્રેન્ચ કંપનીઓને, સૌથી વધુ પ્રસ્તુત જણાય તેવી ભારતીય હિસ્સેદાર કંપનીઓ પસંદ કરવા પૂર્ણ સ્વાતંત્ર્ય છે. 36 રાફેલ વિમાન પૂરા પાડવા ભારત સાથેની આંતર-સરકારી સમજુતી, માત્ર વિમાનની ડિલીવરી અને ગુણવત્તા અંકે કરવાની જવાબદારી સંબંધિત જ છે.’
ભારતની ઓફફસેટ નીતિ હેઠળ વિદેશી સંરક્ષણ ઉત્પાદકોને કુલ કોન્ટ્રેકટ મૂલ્યના ઓછામાં ઓછા 30 ટકા રકમનું,  કમ્પોનન્ટ્સની ખરીદી અથવા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મથકો ઉભા કરવામાં ખર્ચવાનો જનાદેશ  છે.
રાફેલ સોદા અંગે સરકારથી સરકાર વચ્ચેની સમજુતી પર ભારતે સહી કર્યાના દસ દિવસ બાદ રિલાયન્સ ડિફેન્સ અને દસોલ્તે  એરોસ્પેસ સેકટરમાં સંયુકત સાહસની જાહેરાત કરી અને એક વર્ષ બાદ નાગપુરના મિહાન ખાતે ઉત્પાદન મથકનું શિલારોપણ થયું.
એક અન્ય અહેવાલ મુજબ (આ સોદામાં) રિલાયન્સ ડિફેન્સ અને દસોલ્ત સંયુક્તપણે કામ કરે તે બાબતે શું ભારત તરફથી કોઈ દબાણ થયું હતું કે એવો પ્રશ્ન દસોલ્તને કરાતાં તેમણે જણાવ્યું હતું કે આ બારામાં તેમની પાસે કોઈ જાણકારી નથી. માત્ર દસોલ્ત આ બારામાં ટિપ્પણી કરી શકશે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ રિલાયન્સ ડિફેન્સને પસંદ કરવામાં ફ્રાન્સની કોઈ ભૂમિકા નથી, એમ ઓલાન્દેએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer