રાજકોટમાં હવસનો શિકાર નહીં બનતાં આઠ વર્ષના બાળકની ક્રૂર હત્યા

રાજકોટમાં હવસનો શિકાર નહીં બનતાં આઠ વર્ષના બાળકની ક્રૂર હત્યા
લાશને કોથળામાં બાંધી દૂર ફેંકી દીધી’તી: સીસીટીવીમાં કેદ થઈ જતાં તરત ઝડપાઈ ગયો
 
રાજકોટ. તા.રર : રાજકોટમાં સમયાંતરે માસુમ બાળકોને હવસનો શિકાર બનાવીને હત્યા કરી નાખવામાં આવતા હોવાના કિસ્સા પોલીસ દફતરે નોંધાતા હોય છે, ત્યારે આવો જ વધુ એક બનાવ કોઠારિયા રોડ પરના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય માસુમ બાળક સાથે બનવા પામ્યો હતો. 8 વર્ષનો બાળક હવસનો ભોગ નહીં બનતા પરપ્રાંતીય ફૂટવેરના ધંધાર્થીએ ટુવાલથી મોઢે ડૂચો દઈ હત્યા કરી લાશ કોથળામાં ભરી ફેંકી દીધી હતી પરંતુ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં હત્યારો કેદ થઈ જતાં પોલીસે ઝડપી લઈ ભેદ ઉકેલી નાખ્યો હતો.
 આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, કોઠારિયા રોડ પરના સોરઠિયાવાડી  સર્કલ પાસે ચાની હોટલ સામે બુટ- ચપ્પલના તંબુ રાખી ત્યાં જ રહેતા મૂળ યુ.પી.ના બીટુ ચમનસીંગ ભીવર નામના વિકૃત માનસ ધરાવતા શખસે તેના તંબુમાં સુતેલા ચાર બાળકોમાંથી એમપીના વિશ્વાસ જમાલભાઈ બારીયા (ઉ.8) નામના બાળક સાથે ગુરુવારે રાત્રીના સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળક વિશ્વાસ તાબે નહીં થતા બીટુ ભીવરે વિશ્વાસને મોઢે ટુવાલનો ડૂચો દઈ ગૂંગળાવીને મારી નાખ્યો હતો અને લાશ કોથળામાં ભરી બાઈક પર પોટલું રાખી ગોંડલ ચોકડી પાસે લાશ ફેંકી આવ્યો હતો.
દરમિયાન વિશ્વાસના પિતા ઈમાનભાઈ બારીયા તથા અન્ય વ્યક્તિઓએ વિશ્વાસ ગુમ થઈ ગયો હોય તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળમાં બીટુ ભીવર પણ સાથે જોડાયો હતો. બાદમાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે મૂળ એમપીના જાંબુવા પંથકના અને હાલમાં રૈયા ગામ પાસે નંદગાવના છાપરામાં નિલેષભાઈ કાલાવડિયાની સાઈટ પર કામ કરતા ઈમાનભાઈ બાબુભાઈ બારીયા નામના ભીલ યુવાને તેનો પુત્ર વિશ્વાસ (ઉ.8) ગુમ થઈ ગયાની ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ પ્રકરણ સંદર્ભે ભક્તિનગર પીઆઈ. વી.કે. ગઢવી તથા રાઈટર નિલેષભાઈ મકવાણા તથા સ્ટાફે સોરઠિયાવાડી સર્કલ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં બીટુ ભીવર બાઈકમાં પોટલું લઈને જતો હોવાનું જણાતા તાકીદે બીટુ ભીવરને ઝડપી લઈ આગવી ઢબે સરભરા કરતા માસુમ બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ બનાવના પગલે મૃતક વિશ્વાસના પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.
પોલીસેની પ્રાથમિક તપાસમાં મૃતક વિશ્વાસ બારીયા ત્રણ ભાઈઓમાં મોટો હતો. તેના પિતાના ભાઈ જમાલભાઈ અને માતા જવીબેન બે વર્ષથી રૈયાગામમાં કડીયા કામ કરે છે અને ત્યાં જ રહે છે. ઈમાન બારીયાને તેના પુત્ર વિશ્વાસને ભણાવવો હતો તેથી સોરઠિયાવાડી  સર્કલ પાસે વર્ષોથી રહેતા કુટુંબી કાકા જમાલને ત્યાં રાખ્યો હતો. જમાલે ઘર પાસે આવેલી સરકારી શાળામાં વિશ્વાસને ધોરણ-1 માં ભણવા બેસાડયો હતો. જમાલ જ્યાં રહે છે ત્યાં જ સામેના તંબુમાં બીટુ ભીવર રહેતો હતો. જમાલનો ભત્રીજો અને અન્ય બે બાળકો બીટુના તંબુમાં સુવા જતા હતા. દરમિયાન બીટુ ભીવરે પ્રોત પ્રકાશ્યું હતું અને વિશ્વાસ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વિશ્વાસે પ્રતિકાર કર્યો હતો અને હવસનો શિકાર નહીં બનતા માસુમ બાળકની હત્યા કરી હતી. પોલીસે હત્યારા બીટુ ભીવરને રિમાન્ડ પર મેળવી અન્ય કોઈ બાળકો સાથે આવું કૃતય આચર્યું છે કે કેમ તે સહિતના મુદ્દે પણ તપાસ હાથ ધરી છે.
લાશને સફેદ કોથળામાં પેક કરી’તી
હવસખોર હત્યારા બીટુ ભીવરે તાબે નહીં થતાં માસુમ બાળક વિશ્વાસની હત્યા કરી નાખ્યા બાદ લાશ ફેંકવા જવા માટે પ્રથમ લાશને ધાબળામાં વીંટાળી હતી. બાદમાં શણના કોથળામાં અને ત્યારબાદ પ્લાસ્ટિકના  સફેદ મોટા કોથળામાં  નાખી પેક કરી બાઈકમાં રાખી ગેંડલ રોડ ચોકડીથી આજીડેમ તરફ જતા સવિર્સ રોડ પર ફેંકી આવ્યો હતો અને નિરાંતે ઉંઘી ગયો હતો.
મામાને મળવા જવાનું કહી બાઈક લઈ આવ્યો’તો
વિશ્વાસની હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે બીટુ ભીવર તેના શેઠ પાસે રાત્રીના ગયો હતો અને મામાને મળવા જવાનું કહી બાઈક લઈ આવ્યો હતો અને લાશનો કોથળો બાઈકમાં લઈ જઈ ફેંકી આવ્યો હતો.
હત્યારાની પત્નીએ વતનમાં પુત્રીને જન્મ આપ્યો
હત્યારા બીટુની પત્ની વતનમાં ગઈ હોય અને અઠવાડિયા પહેલાં જ પુત્રીને જન્મ આપ્યો હતો. બીટુ ભીવર 19 વર્ષથી રાજકોટમાં રહે છે. પત્ની વતનમાં હોય બીટુના મગજમાં કામવાસના જાગી જતાં માસુમ બાળકને શિકાર બનાવવાનો પ્રયાસ કરવા જતા હત્યા કરી નાખી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer