ધોરાજીમાં મહંતની હત્યા જ થઇ છે; પોલીસ આત્મહત્યામાં ન ખપાવે

ધોરાજીમાં મહંતની હત્યા જ થઇ છે; પોલીસ આત્મહત્યામાં ન ખપાવે
સાધુ સમાજ અને મેઘવાળ સમાજની ઉગ્ર રજૂઆત; આંદોલનની ચીમકી

ધોરાજી, તા.22: અહીં નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુના શંકાસ્પદ મૃત્યુ બાદ આ બનાવ હત્યાનો હોવાનું અને પોલીસ તેને આત્મહત્યામાં ન ખપાવે તેવી માગણી સાથે સાધુ સમાજ અને દલીત સમાજે ઉગ્ર રજૂઆત કરી છે અને આ ઘટનાની ન્યાયિક તપાસની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ મહંતનો મૃતદેહ બંધ રૂમમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુની હત્યાના ઘેરા પડઘા જૂનાગઢના ભવનાથમાં પણ પડયા હતાં. જૂનાગઢ સાધુ સમાજના અગ્રણી સંતો મહંત મહાદેવગીરીબાપુ, રામેશ્વરપુરી મહારાજ, શ્રધ્ધાનંદગીરી બાપુ, કૃપાલગીરી મહારાજ, દિત્યાગીરીજી મહારાજ વગેરે સાધુ-સંતોએ નરસંગ આશ્રમે દોડી આવી બનાવના સ્થળે પહોંચી તપાસ કરી હતી.
મહાદેવગીરી બાપુએ ધોરાજીમાં થયેલી આ હત્યા બાબતે જણાવ્યું હતું કે પોલીસ આત્મહત્યા કે કમળપૂજાની થિયરી પર ન તપાસ ન કરે આ બનાવ હત્યાનો જ છે. ગળામાં તિક્ષ્ણ હથિયારના ઘા છે. હથિયાર મળ્યું નથી. પાસે રહેલો મોબાઇલ અને રૂપિયા પણ મળ્યાં નથી. પોલીસ આ પ્રશ્ને ન્યાયિક તપાસ નહીં કરે તો જૂનાગઢના 500 સાધુ ધોરાજી દોડી આવશે.
મહંતના મૃત્યુને પડેલીએ પ્રાથમિક દૃષ્ટિએ હત્યા થયાનું જણાવ્યું હતું અને તમામ પ્રકારની તપાસની ખાતરી આપી હતી. દરમિયાન ધોરાજી મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઇ સોંદરવાએ જણાવ્યું હતું કે તેઓએ આ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. જેમાં આ બનાવ હત્યાનો હોવાનું ફલિત થાય છે. પરંતુ શુક્રવારે તાજીયા હોય મેઘવાળ સમાજે શાંતિ રાખી હતી. પરંતુ પોલીસ આ ઘટનાને આત્મહત્યામાં ખપાવશે તો સમાજ દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરાશે.
મહંત લાલદાસબાપુના મૃતદેહને પ્રથમ ધોરાજી સરકારી હોસ્પિટલે પી.એમ. માટે લઇ જવાયા બાદ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પી.એમ.માં ખસેડાયો છે. એફ.એસ.એલ. અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસ શરૂ કરાઇ છે. આ બનાવની તપાસ માટે ખાસ આવેલાં જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ તપાસમાં તેમની સાથે રાજકોટ રૂરલ એલસીબી પણ જોડાઇ છે.
 
લાલદાસબાપુને આશ્રમમાં જ સમાધી: 2 સેવકોની પૂછપરછ
ધોરાજી, તા.22: નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુનાં  મૃતદેહને રાજકોટ મેડીકલ કોલેજ ખાતે પીએમ માટે લઇ જવામાં આવ્યા બાદ શનિવારે બપોરે આશ્રમ ખાતે સાધુ સંતો સેવક ગણની હાજરીમાં સમાધી અપાઇ હતી. પોલીસે આપઘાત કે હત્યા બંને તરફ  તપાસ હાથ ધરી આજે 2 સેવકોને પૂછપરછ માટે લઇ ગઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer