ભાજપ ફરી સત્તા પર આવશે: મોદીનો સંકેત

ભાજપ ફરી સત્તા પર આવશે: મોદીનો સંકેત
તાલચરમાં યુરિયા ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા 36 મહિના બાદ ફરી આવવાની લોકોને રેલીમાં ખાતરી આપી

તાલચર, તા. 22: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓરિસ્સામાં અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી. મોદીએ ઓરિસ્સામાં 13,000 કરોડ રૂપિયાથી પણ વધુની યોજનાની જાહેરાત કરી હતી. સાથે સાથે વિશાળ રેલીને પણ સંબોધી હતી. તાલચરમાં ખાધ કારખાનાના પુન:નિર્માણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ રેલીને સંબોધતા મોદીએ એકબાજુ પોતાની સરકારની સિદ્ધિઓ અને યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે નવીન પટનાયક સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ એવો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો કે, 2019માં વિપક્ષ એકતાના કેટલાક પ્રયાસ કરી લેશે તો પણ તેમની સત્તામાં વાપસી નિશ્ચિત છે.
છત્તીસગઢના જાંજગીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતાં કહ્યું હતું કે, તેઓની સરકારમાં ફાયદો મળશે તો બધાને જ મળશે. તેમાં જાતિ-ધર્મ, રંગ-રૂપ અને ક્ષેત્રના આધારે ભેદભાવ કરવામાં આવશે નહી. 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ બાદ તમામ પરિવારનોને ઘરનું ઘર મળી જશે. ગરીબ લોકો પાસે પણ પોતાની છત હશે.
 ઓરિસ્સામાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા મોદી પહોંચ્યા હતા. અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, વર્ષ 2000માં કાલચર યુરિયા ફેક્ટરીના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તે વખતે તમામ બાબતો કાગળ ઉપર રહી હતી. અધિકારીઓને કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે 36 મહિનામાં કામ પૂર્ણ કરવાની વાત કરી છે. 36 મહિના બાદ લોકાર્પણ માટે ફરી આવવાની ખાતરી આપી હતી. ગોરખપુર, ઝારખંડ, તેલંગાણા અને બિહારના યુરિયા કારખાનાઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ખેડૂતો અને કૃષિ વ્યવસ્થાને મજબૂત કરવા માટે તેમની સરકાર કામ કરી રહી છે.
વર્ષ 2014માં ગ્રામીણ સ્વચ્છતા ઓરિસ્સાની 10 ટકાની આસપાસ હતી પરંતુ ચાર વર્ષના ગાળામાં આ આંકડો 55 ટકા પહોંચ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયક સ્વચ્છતા મિશનમાં જોડાઈ રહ્યા નથી. શૌચાલયોનું નિર્માણ થતાં નથી. ઓરિસ્સાના લોકો માટે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા માટે શ્રેષ્ઠ અને સર્વોચ્ચ સ્વચ્છતાની પણ જરૂર છે.ઓરિસ્સાના તાલચરમાં ખાદ્ય કારખાનાના પુન:નિર્માણ કાર્યક્રમ વેળા રેલીને સંબોધતા મોદીએ કહ્યંy હતું કે 36 મહિના બાદ ફરી લોકાર્પણ માટે તેઓ જ આવશે. નવીન પટનાયક પર જુદા જુદા મુદ્દાને લઇને મોદીએ તેજાબી પ્રહારો કર્યા હતા. પોતાનાં સંબોધનમાં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનું ચિત્ર રજૂ કરતા મોદીએ ઇશારામાં પોતાની જીતનો દાવો પણ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer