રામમંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કરવા પાંચમી અૉક્ટોબરે નિર્ણય

રામમંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કરવા પાંચમી અૉક્ટોબરે નિર્ણય
પ્રમોદ મુઝુમદાર
નવી દિલ્હી, તા. 22 : લાંબા સમયથી પ્રતીક્ષા કરાતા રામજન્મભૂમિ વિવાદ વિશે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સપ્ટેમ્બર 2018 સુધી આવી જવાની અપેક્ષા રખાતી હતી, પરંતુ ચુકાદો નથી આવ્યો. તેથી ચિંતિત વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરનું નિર્માણ તથા આગળની રૂપરેખા વિશે વિચારવિમર્શ કરીને નિર્ણય લેવા માટે આગામી પાંચમી અૉક્ટોબરે દિલ્હીમાં સંતોની ઉત્તરાધિકાર સમિતિની મહત્ત્વની બેઠક યોજી છે. વિહિપના સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાંથી 30થી 35 જેટલા પ્રમુખ સંતોને બેઠક માટે આમંત્રણ અપાયું છે. આ સમિતિના અધ્યક્ષ રામમંદિર આંદોલનના મુખ્ય મહંત નૃત્ય ગોપાલ દાસ છે. એવું જાણવા મળ્યું છે કે બેઠકમાં રામમંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાય એવી ભરપૂર સંભાવના છે.
 અને તે માટે દેશભરમાંથી હિન્દુઓને કારસેવા માટે અનુરોધ કરાશે.
સંતોને પાઠવાયેલા આમંત્રણ પત્રમાં જણાવાયું છે કે આ વર્ષે પ્રયાગરાજમાં કુંભ મેળો છે અને તેમાં 31 જાન્યુઆરી તથા પહેલી ફેબ્રુઆરીએ ધર્મસંસદનું આયોજન કરાશે. ત્યાર પછી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રામમંદિર નિર્માણ માટે કાનૂન બનાવાશે એવું કેન્દ્ર સરકાર તરફથી હંમેશાં જણાવાતું આવ્યું છે. રામજન્મભૂમિનો વિષય અદાલતનો નથી પરંતુ સંપૂર્ણપણે આસ્થાનો મુદ્દો છે. એવું લાગતું હતું કે સપ્ટેમ્બર 2018 સુધીમાં ચુકાદો આવી જશે અને મંદિર નિર્માણ માટે માર્ગ મોકળો થઈ જશે, પરંતુ હવે તે સંભવ નથી.
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રામમંદિરના નિર્માણ વિશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વિશે વટહુકમ જારી કરવા વિચારવું જોઇએ. રામમંદિરનું બનતી ત્વરાએ નિર્માણ થવું જોઇએ. વધુ વિલંબ થવો નહીં જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer