આજે ફરી ભારત-પાકનો ક્રિકેટ જંગ

આજે ફરી ભારત-પાકનો ક્રિકેટ જંગ
દુબઈ, તા.22 (પીટીઆઈ): એશિયા કપમાં સળંગ ત્રણ મેચ જીતીને ફેવરિટ તરીકે ઊભરેલી ટીમ ઈન્ડિયાએ આવતીકાલે અહીં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની મેચમાં આત્મસંતુષ્ટિની ભાવનાથી દૂર રહેવું પડશે. એશિયા કપમાં અન્ય તમામ ટીમો કરતાં રોહિતસેના મજબૂત છે, પણ જેની ધારણા થઈ શકે નહીં એવા પાક સામે તેણે સાવધ તો રહેવું જ પડશે. ટીમ ઈન્ડિયાની નજર મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ પર રહેશે.
ત્રણ દિવસ પહેલાં જ ભારતે પાકને આઠ વિકેટે કારમી હાર આપી હતી. રોહિતસેના તમામ મોરચે પાકિસ્તાનથી બહેતર સાબિત થઈ હતી. કરિશ્માઈ કપ્તાન અને બેટધર વિરાટ કોહલીની ગેરહાજરીમાં પણ ટીમે હજી સુધી સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે આવતીકાલે વિજયરથ આગળ ધપાવવાના ઈરાદે ટીમ મેદાનમાં ઊતરશે. બાંગલાદેશ સામે ગઈકાલે મહેન્દ્રસિંહ ધોનીએ પણ થોડા રન બનાવીને ફોર્મમાં વાપસીના સંકેત આપી દીધા છે. ઈજાગ્રસ્ત હાર્દિક પંડયાના સ્થાને સમાવાયેલા રવીન્દ્ર જાડેજાએ શાનદાર દેખાવ કર્યો છે, તો રોહિત શર્મા અને શિખર ધવન પણ લયમાં છે. અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિક તકને ઝડપી લેવા આતુર હશે.
બોલિંગ મોરચે પણ ભારત મજબૂત છે. ભુવનેશ્વરકુમાર, જસપ્રીત બુમરાહ અસરકારક ઝડપી બોલરો છે, તો સ્પિન મોરચે યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સાથે જાડેજા  બાજી સંભાળશે.
 કેદાર જાધવ પણ બોલિંગમાં ઘણીવાર સરપ્રાઈઝ પેકેજ સાબિત થતો હોય છે.
બીજી તરફ, અફઘાનિસ્તાન સામે ગઇકાલે અંતિમ ઓવરમાં માંડ મળેલી જીત બાદ પાક ટીમે દેખાવ સુધારવો પડશે. મેચનું પ્રસારણ સાંજે પાંચ વાગ્યાથી કરાશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો નીચે મુજબ છે.
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રાહુલ, નાયડુ, મનીષ પાન્ડે, કેદાર જાધવ, એમ.એસ. ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, કુલદીપ યાદવ, ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વરકુમાર, જસપ્રીત બુમરાહ, ઠાકુર, ખલીલ અહેમદ.
પાકિસ્તાન : સરફરાજ  અહેમદ (કેપ્ટન), આસિફ અલી, બાબર આઝમ, ફાહીમ અશરફ, ફકર જમાન, હરીશ સોહિલ, હસન અલી, ઇમામ-ઉલ-હક, જુનૈદ ખાન, મોહમ્મદ આમિર, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, શાહીન અફ્રિદી, શાન મહસૂદ, શોએબ મલિક, ઉસ્માન ખાન.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer