રાજકોટમાં ડ્રિન્કીંગ વોટરના બે યુનિટ સીલ કરતી મનપા

રાજકોટમાં ડ્રિન્કીંગ વોટરના બે યુનિટ સીલ કરતી મનપા

આરોગ્ય શાખાના ચેકિંગમાં સ્થળ પર ગંદકીના ગંજ મળ્યાં : લેબોરેટરી ટેસ્ટીંગ વગર પીવાના પાણીનું વેચાણ થતું હોવાનું ખૂલ્યું
રાજકોટ, તા.18 :  મનપાની આરોગ્ય શાખાની ટીમે આજરોજ શહેરના આવેલા પેકેઝડ ડ્રીકીંગ વોટરના યુનિટોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. અધિકારીઓના ચેકિંગમાં યુનિટોમાં મોટાપાયે ગંદકી જોવા મળતા બન્ને યુનિટોને સીલ મારવામાં
આવ્યાં છે.
કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર મહાદેવવાડી શેરી નં.3માં આવેલા મેક્સ બીવરેજીસ નામથી પેકેઝડ ડ્રીન્કીંગ વોટર બ્રાન્ડ-બીસ્ટરનું ઉત્પાદન કરતાં યુનિયટમાં 20 લીટરના પાણીના જગ તથા મહાદેવવાડી મેઈન રોડ પર આવેલા બીસ્ટર પાણીની પેક્ડ બોટલ ઉત્પાદન યુનિટનું ચેકિંગ હાથ ધરતા બન્ને સ્થળોએ અસહ્ય ગંદકી જોવા મળી હતી જેના કારણે બન્ને યુનિટોને સીલ મારવામાં આવ્યાં છે. રાઠોડે ઉમેર્યુ હતું કે, પેકેઝડ ડ્રીન્કીંગ વોટર માટે બીઆઈએસ તથા એફએસએસએઆઈનું લાયસન્સ ફરજિયાત છે. ઉત્પાદન કેન્દ્રો પર આ બન્ને લાયસન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે પરંતુ આજે ચેકિંગ દરમિયાન આ નિયમોનું પાલન થતું હોય તેવું નજરે ચડયું ન હતું.
ખાસ કરીને જે અનિયમિતતા અને ગેરરીતિ સામે આવી હતી તેમાં (1) ઉત્પાદન કેન્દ્રોમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ (2) પ્રોસેસ વોટર તથા પાણીના સ્રોતનું પરીક્ષણ થતું ન હતું (3) ઉત્પાદન કેન્દ્રો પર બિનજરૂરી અને બિનઆરોગ્યપ્રદ ભંગાર પડેલો નજરે ચડયો હતો (4) ઉત્પાદન કેન્દ્ર, વોશરૂમ અને સ્ટોરેજમાં સ્વચ્છતાનો સદંતર અભાવ હોવાનું ધ્યાને આવ્યું હતું. (5) ઉત્પાદન કરનાર કર્મચારીઓના મેડિકલ સર્ટીફિકેટ પણ ન હતાં. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત બન્ને યુનિટોને સીલ મારવામાં આવ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer