રૈયા-મવડી ચોકડી બ્રિજનું કામ 60% પૂર્ણ !

રૈયા-મવડી ચોકડી બ્રિજનું કામ 60% પૂર્ણ !

રૈયા ચોકડી બ્રિજમાં પશ્ચિમ બાજુ 14 પીયરમાં 39 તથા પૂર્વ બાજુ 7 પીયરમાં 18 ગર્ડર ચઢી ગયાં : બ્રિજના મેઈન સ્પાનનું કામ આગામી સપ્તાહથી શરૂ કરાશે
બન્ને બ્રિજ 31 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે
જનકસિંહ ઝાલા
રાજકોટ તા.18 : શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર રૈયા અને મવડી ચોકડીએ ઓવરબ્રિજ બનાવવાનું કામ પૂર્ણ ગતિએ ચાલી રહ્યું છે. રૂા.25-25 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ બન્ને બ્રિજ 31 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે તેવો દાવો મ્યુનિ.તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
દોઢસો ફૂટ રીંગ રોડ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે રોજ અસંખ્ય વાહનોની અવરજવર રહે છે છાશવારે આ રસ્તા પર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતના બનાવોને નિવારવા માટે એક માત્ર ઉપાય ઓવરબ્રિજ નિર્માણ હોય તંત્ર દ્વારા હાલ કે.કે.વી ચોક અને ઈન્દિરા સર્કલ પર જે રીતે બ્રિજ છે તે રીતે રૈયા ચોકડી તેમજ મવડી ચોકડીએ પણ સ્પ્લીટ (બે ભાગ)માં બ્રિજ ઉભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી બે વર્ષે પૂર્વે આ કામગીરી શરુ કરવામાં આવી હતી જે પૈકીનું 60 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. એડિશ્નલ સીટી ઈજનેર ભાવેશ જોષીના જણાવ્યાનુસાર રૈયા ચોકડી બ્રિજમાં પશ્વિમ બાજુમાં 14 પીયરનું કામ પૂર્ણ થયે તેમાં 39 ગર્ડર પણ ચડી ગયાં છે જ્યારે પૂર્વ બાજુમાં 7 પીયરમાં 18 ગર્ડર ચડી ગયાં છે. આ બ્રિજમાં કુલ 84 ગર્ડર મૂકવામાં આવશે. આ ઉપરાંત દર ચાર દિવસે એક સ્લેબ ભરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 4 સ્લેબ ભરાઈ ચૂક્યાં છે. રીટર્નીગ વોલનું કામ પણ 95 ટકા પૂર્ણ થઈ ગયું છે.
ફીલીંગ વર્કની કામગીરી પણ આટોપી લેવામાં આવી છે. હવે આગામી સપ્તાહમાં મેઈન સ્પાન (બ્રિજનો મધ્યભાગ)નું કામ શરૂ કરાશે. જે વધુમાં વધુ 25 દિવસમાં પૂર્ણ થઈ જશે. આખા બ્રિજ માટે 60 દિવસનું કામ બાકી બચ્યું છે. 60 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે જે 40 ટકા સુપર સ્ટ્રક્ચરનું કામ બાકી છે તે ઝડપથી આગળ ધપશે.  મવડી ચોકડી બ્રિજ વિષે જોશીએ જણાવ્યું હતું કે, મવડી બ્રિજમાં પશ્ચિમ બાજુએ 14 પીયર તૈયાર છે. પીયર કેપની કામગીરી ચાલુ છે અને 9 ગર્ડર ચડી ગયાં છે. આગામી 15 દિવસમાં 30 ગર્ડર ચડી જશે. વેસ્ટ સાઈડની કામગીરી તા.15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે અને પછી સ્લેબનું કામ હાથ પર લેવાશે. પૂર્વ બાજુએ પીયર કેપનું કામ તા.15 ઓક્ટોબર પછી શરૂ થશે અને પછી ગર્ડર ચડશે.
હાલ 84 પૈકી 45 ગર્ડર કાસ્ટીંગ થઈ ગયાં છે. રિર્ટનીંગ વોલનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મેઈન સ્પાન (બ્રિજનો મધ્યભાગ)નું કામ 20 ઓક્ટોબર આસપાસ શરૂ કરાશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત બન્ને બ્રિજના પ્રોજેક્ટની કામગીરી કરતી કોન્ટ્રાક્ટ એજન્સી રાકેશ કન્સ્ટ્રક્શન-અમદાવાદ આ બન્ને બ્રિજ નિર્માણ માટે દરેક તબક્કામાં કામો નિયમાનુસાર સમયસર પૂર્ણ ન કરતા મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ રૂા.10 લાખની પેનલ્ટી ફટકારી હતી. આ ઉપરાંત કન્સલ્ટન્ટ એજન્સી ડીઈએલએફને પણ સમયસર ડ્રોઈંગ સબમીટ ન કરવા બદલ રૂા.1 લાખનો દંડ ફટાકારાયો હતો ત્યારબાદ કામમાં ગતિ આવી છે. ટેન્ડરની શરતો મુજબ 18 માસની સમય મર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું અને એપ્રિલ 2018 આસપાસ આ કામની મુદ્દત પૂર્ણ થતી હતી અંતે છ માસની સમયમર્યાદા વધારવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યાનુસાર 31 ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ તૈયાર થઈ જશે.
મવડી ચોકડી બ્રિજ
કુલ લંબાઈ: 622 મીટર
8.40 રનીંગ મીટરની એક લેન રહેશે
મૂનલાઈટ મારબલથી સોપાન સુધી બ્રિજના છેડા આવશે.
પ્રોજેક્ટ કોસ્ટ : રૂા.25 કરોડ
અંતિમ સમય મર્યાદા : 31 ડિસેમ્બર 2018
કોન્ટ્રાક્ટર : રાકેશ કન્સ્ટ્રક્શન-અમદાવાદ
રૈયા ચોકડી બ્રિજ
કુલ લંબાઈ: 565.મીટર
8.40 રનીંગ મીટરની એક લેન રહેશે
બ્રિજનો એક ઢાળ મોદી સ્કૂલ પાસે જ્યારે સામેના નાણાવટી ચોક પહેલા વોર્ડ ઓફિસ પાસે બીજો ઢાળ.
પ્રોજેક્ટ કોસ્ટ : રૂા.25 કરોડ
અંતિમ સમય મર્યાદા : 31 ડિસેમ્બર 2018
કોન્ટ્રાક્ટર : રાકેશ કન્સ્ટ્રક્શન-અમદાવાદ
આમ્રપાલી બ્રિજ હજુ અધ્ધરતાલ !
મ્યુનિ.તંત્ર સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ તેમજ કે.કે.વી સર્કલમાં અંડરબ્રિજ નિર્માણની દિશામાં આગળ ધપી રહ્યું છે પરંતુ કોઈપણ કારણોસર આમ્રપાલી બ્રિજ કાગળોમાંથી બહાર આવતો નથી. આમ્રપાલી ફાટક બંધ થાય ત્યારે ટ્રાફિકની જે મહામારી સર્જાય છે તેનો કાયમી ઉકેલ લાવવા અહીં બ્રિજ નિર્માણની યોજના મનપાએ બનાવી હતી. પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયના કાર્યકાળમાં ડિઝાઈન પણ ફાઈનલ થઈ ગઈ હતી. જૂની કેન્સર હોસ્પિટલ પાસેથી બ્રિજ શરૂ થઈને આમ્રપાલી નજીક પૂર્ણ થનારા આ અંડરબ્રિજ માટે ટ્રાફિકનો સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.  બ્રીજ નિર્માણના વિરોધમાં આમ્રપાલી આસપાસના વેપારીઓએ અનેક વખત તત્કાલીન મ્યુનિ. કમિનશર અને  મેયર સાથે બેઠકો પણ યોજી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer