ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલ બાદ બન્ને દેશ એશિયા કપમાં આમને-સામને ક્ષ
દુબઇ, તા.18: વિશ્વ ક્રિકેટના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે દુબઈમાં એશિયાકપનો ક્રિકેટ જંગ ખેલાશે. આ મેચને લઈને બન્ને દેશમાં ક્રિકેટ ફિવર ફરી વળ્યો છે.  ટીમ ઈન્ડિયાનો ઈરાદો ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઈનલની હારનો હિસાબ ચૂકતે કરીને પાક. સામે વિજય હાંસલ કરવાનો રહેશે. જયારે બીજી તરફ પાકિસ્તાન વિજયક્રમ જાળવી રાખવાના લક્ષ્યાંક સાથે મેદાને પડશે.
ભારત એશિયા કપમાં નિયમિત સુકાની અને સ્ટાર બેટસમેન વિરાટ કોહલી વિના રમી રહયું છે. વિરાટનું ન હોવું પાકિસ્તાન માટે રાહતની વાત બની શકે છે.
પાકિસ્તાનના ખેલાડીઓ પણ કહી ચૂકયા છે કે કોહલીનું ભારતીય ટીમમાં ન હોવું અમારા માટે રાહતજનક છે.
કોહલીની ગેરહાજરીમાં સુકાનીપદ સંભાળી રહેલા રોહિત શર્મા પાસે ખુદને સાબિત કરીને પાકિસ્તાન સામે ટીમને જીત અપાવે. પાક. ટીમ પહેલા મેચમાં હોંગકોંગને 8 વિકેટે હરાવીને તેનું અભિયાન શરૂ કરી ચૂકયું છે. ભારતે પણ તેના અભિયાનની શરૂઆત હોંગકોંગ સામે જ કરી છે.
પાકિસ્તાન સામેના મેચ દરમિયાન ભારતને તેના મીડલઓર્ડરને ચકાસવાનો મોકો મળશે. ખાસ કરીને અંબાતિ રાયડૂ, લોકેશ રાહુલ, મનિષ પાંડે, કેદાર જાધવ અને દિનેશ કાર્તિકમાંથી જેમને પણ તક મળશે તેમણે હિર ઝળકાવવું પડશે. પાક. સામેના સારા દેખાવથી આ ખેલાડીઓને ટીમમાં સ્થિર થવાનો લાભ મળી શકે છે. બીજી તરફ પાકિસ્તાનની તાકાત તેની બોલિંગ છે.
પાકે. બોલિંગ તાકાતથી જ ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફતેહ હાંસલ કરી હતી. તેના બે મુખ્ય બોલર હસન અલી અને મોહમ્મદ આમિર છે. જ્યારે બેટિંગ મોરચે બાબર આઝમ, ફખર જમાન, ઇમમા ઉલ હક અને અનુભવી શોએબ મલિક છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer