મગફળી-કપાસના ઉત્પાદનમાં ગાબડાં પડશે

મગફળી-કપાસના ઉત્પાદનમાં ગાબડાં પડશે
નર્મદાનું પાણી છોડવા છતાં સૌરાષ્ટ્રને ખાસ લાભ નહીં થાય: હજુ એક વરસાદની રાહ
 
રાજકોટ, તા.18: નબળા ચોમાસાની બિહામણી અસરો સામે આવવા લાગી છે. પહેલી અસર પાક ઉત્પાદનમાં ઘટાડાના સ્વરૂપે જોવા મળશે. ઓછાં વરસાદની સ્થિતિમાં ય ખેડૂતોએ ગમેતેમ ખરીફ વાવણી કરી નાખી પણ પાછોતરા વરસાદની ખાધથી કપાસ, મગફળી અને કઠોળ સહિતના પાકોના હેક્ટરદીઠ ઉત્પાદનમાં મોટાં ગાબડાં પડે તેવી શક્યતા વધી ગઇ છે. પાકને પાણી નહીં મળવાથી ઉતારા ઉપર સીધી અસર થશે તેવું સરકારે જાહેર કર્યું છે. નર્મદાનું પાણી ભલે સરકારે આપ્યું પણ સિંચાઇવાળો વિસ્તાર જ ઓછો છે એટલે ખેડૂતોની મિટ હજુ આકાશ તરફ જ મંડાયેલી છે.
ગુજરાત સરકારે ખરીફ પાકોનો પ્રથમ આગોતરો અંદાજ વ્યક્ત કર્યો છે. કઠોળનું ઉત્પાદન પાછલા વર્ષના 5.23 લાખ ટન સામે 4.37 લાખ ટન થશે તેમ જણાવ્યું છે. કપાસનું વાવેતર 27.09 લાખ હેક્ટરમાં થયું છે. ગયા વર્ષમાં તે 26.24 લાખ હેક્ટર હતુ. છતાં સરકારે આગોતરો અંદાજ 101 લાખ ગાંસડીથી ઘટાડીને 88.28 લાખ ગાંસડીનો વ્યક્ત કર્યો છે. મગફળીનો અંદાજ 38 લાખ ટન સામે 27 લાખ ટન રખાયો છે. ખેડૂતો કહે છે, એક મહિનાથી વરસાદનું નામોનિશાન નથી. ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ભાદરવાના આકરાં તડકા પડી રહ્યા છે. ગરમ વાતાવરણને લીધે પાણીની આવશ્યકતા તમામ કૃષિ પાકોને વધી ગઇ છે. ખરીફ પાકો વિકાસ-વૃધ્ધિના તબક્કે છે ત્યારે પાણી નહીં મળતા ઉતારા ઉપર સીધી જ અસર પડવાની છે.
સરકારી અંદાજ પ્રમાણે કપાસનો ઉતારો 16 ટકા જેટલો ઘટીને 554 કિલો પ્રતિ હેક્ટર રહેશે. ગયા વર્ષમાં 660 કિલો મળ્યો હતો. મગફળીનો ઉતારો પ્રતિ હેક્ટર 2360 કિલો ગયા વર્ષમાં પ્રાપ્ત થયો હતો. તે સામે આ વર્ષે 1836 કિલોએ પહોંચી જઇ શકે છે.
સપ્ટેમ્બર અર્ધો પૂરો થઇ ગયો છે ત્યારે હવે વરસાદની શક્યતા નહીવત બચી છે. દસેક દિવસમાં સાધારણ વરસાદ પડી જાય તો પાકને લાભ મળશે. સિઝન પણ મોડી પડશે. જોકે વરસાદ ન થાય તો ઉત્પાદનમાં મોટું ગાબડું નિશ્ચિત છે. સરકારે નર્મદાનું પાણી છોડવાનો આરંભ કર્યો છે પણ સિંચાઇ હેઠળ આવતા ખેતરોની સંખ્યા ઓછી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer