કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફીયાસ્કો

કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફીયાસ્કો
-અડધો કલાકમાં વાવટા સંકેલાઇ ગયા : અનેક કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત
-ટીંગાટોળી, ઝપાઝપી અને ઘર્ષણના દૃશ્યો સર્જાયા
-કોંગી કાર્યકરેનો પોલીસ પર હળવો પથ્થરમારો, બે પોલીસ કોન્સ્ટેબલ ઘવાયા
-કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના તમામ વરિષ્ઠ નેતાઓની કરાઇ અટકાયત
 
અમદાવાદ, તા.18: ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ તરફથી વિધાનસભાને ઘેરવા માટે ગાંધીનગર સેકટર -6 ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફીયાસ્કો થઈ ગયો હતો અને અડધા કલાકમાં વાવટા સંકેલાઇ ગયા હતા. રેલી શરૂ થતાં જ પોલીસે કેંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની અટકાયતનો દોર ચાલુ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપી, ઘર્ષણ, ટીંગાટોળી, પથ્થરમારા સહિતના દ્રશ્યો સર્જાયા હતા.
આજે સવારે નવ વાગ્યાના કાર્યક્રમમાં 10 વાગ્યા સુધી તો માત્ર સ્ટેજ જ ભરાયેલું જોવા મળ્યું હતું અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી. લોકોની પાંખી હાજરીને કારણે તેના નિર્ધારિત સમયે કાર્યક્રમ શરૂ થઇ શક્યો ન હતો. બીજી તરફ કોંગ્રેસ તરફથી આક્ષેપ કરાયો હતો કે પોલીસ લોકોને તેમના કાર્યક્રમ સુધી પહોંચવા નથી દીધા. દરમિયાન  ટૂંકી સભા બાદ શરૂ થયેલી કોંગ્રેસની વિધાનસભા તરફથી કૂચ પણ અડધો કલાકમાં સમેટાઇ ગઇ હતી. કોંગ્રેસની આ કૂચ સત્યાગ્રહ છાવણીથી આગળ વધે કે તરત જ પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જઇ રહેલા સંખ્યાબંધ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં પોલીસે કોંગી કાર્યકરોની ટીંગાટોળી  કરી હતી. પોલીસે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના તમામ વરિષ્ઠ નેતાઓની પણ અટકાયત કરી હતી. એક તબક્કે પોલીસ અટકાયતનો વિરોધ કરી રહેલા અમિત ચાવડા અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું. ટીંગાટોળી અને અટકાયતના આ દોર સમયે ગુસ્સે ભરાયેલા કાર્યકરાએ પોલીસના વાહનોની હવા કાઢવાનો પ્રયાસ કર્યો હતો, તો કેટલાક કાર્યકરો પોલીસવાન પર ચડી ગયા હતા અને ઝંડા બતાવી સરકાર સામે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. પરેશ ધાનાણી સહિતના કેટલાક ધારાસભ્યો ગાડું લઇને આવ્યા હતા પરંતુ પોલીસે ધારાસભ્યોને ગાડામાંથી ઉતારી મુકી, ગાડું કબ્જે લીધું હતું. પોલીસ સાથેના ઘર્ષણ દરમિયાન કેટલાક કોંગી કાર્યકરેએ પોલીસ પર હળવો પથ્થરમારો  કર્યો હતો. જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘવાયા પણ હતા જે પૈકી એકને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ પોલીસે અટકાવ્યા હતા. તેમનું પર્સ ચેક કરીને તેમને અંદર જવા દેવાયા હતા. બાદમાં થોડીવાર માટે ગેટ બંધ કરી દેવાયો હતો. એ પછી ગેટ ખોલવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમને લઇને આજે વિધાનસભા બહાર ચુસ્ત કિલ્લેબંધી કરી હતી. ગૃહના સાતમાંથી ચાર ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ગેટનંબર 1 પર માત્ર ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવતાં કોંગી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ વાર લાંબા સમય માટેના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી.
દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યુ ંહતુ ંકે, સૌના મનમાં આજે આક્રોશ છે. ભૂતકાળમાં રાજકોટમાં પોલીસે મને બહુ માર્યો હતો, જે મને યાદ છે પણ અમે ડરીશું નહી. હું પણ પોલીસ દમનનો ભોગ બન્યો છું. આજે પણ લાઠી ખાવા તૈયાર છું. વધુમાં તમણે કહ્યું કે, સરકાર ખેડૂતોના દેવા માફ કેમ નથી કરતી. ભાજપ પ્રત્યેનો આક્રોશ આજે અહીંયા દેખાય છે.
-------------
વિરજી ઠુમ્મરે મહિલા ઙજઈંને ધક્કો મારતાં વિવાદ
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ પહેલા વિધાનસભાના ગેટ નંબર 1 પર હોબાળો સર્જાયો હતો. જેમાં કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઇને ધક્કો માર્યો હતો. વિધાનસભા બહાર કોંગ્રેસી ધારાસભ્યએ પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી. તેથી વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશતા રોકવામાં આવતા હોબાળો મચ્યો હતો. જો કે વિરજી ઠુમ્મરે પોતાના પર લગાવેલા આરોપને ફગાવ્યા હતા. તેઓએ કહ્યું કે, મેં કોઇને ધક્કો માર્યો નથી, મને રોકવામાં આવ્યો  હતો. ધારાસભ્ય તરીકે મને કોઇ રોકી શકે નહીં.
------------
રૂપાણી સરકાર સામે કોંગ્રેસનો અવિશ્વાસનો પ્રસ્તાવ લટક્યો!
આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ સત્ર શરૂ થયું છે. આ બે દિવસના ચૂંકા સત્રમાં કોંગ્રેસે રૂપાણી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. જો કે આ સત્રમાં રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે એવી કોઇ સંભાવના નથી. કોંગ્રેસે ખેડૂતોના દેવાં માફી, બેરોજગારી, જમીન માપણી, મગફળી કૌભાંડ જેવા મામલામાં રૂપાણી સરકાર નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટે કોંગ્રેસ પાસે પૂરતુ સંખ્યાબળ હોવા છતાં ભાજપે ટેકનિકલ મુદ્દા ઉભા કર્યા છે. જેને પગલે અવિશ્વાસનો પ્રસ્તાવ આ ટૂંકા સત્રમાં નહીં આવે તે નક્કી છે. આ બે દિવસનું જ  સત્ર છે. આ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનું સત્ર જોઇએ તેવા પ્રશ્નો ભાજપે ઉઠાવ્યા છે. આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેમ જણાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, બે દિવસનું સત્ર છે, જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે પુરતી વૈધાનિક અને ટેકનિકલ પ્રક્રિયા અનુસરવામાં આવી નથી જેથી આ પ્રસ્તાવ આ સત્રમાં આવી શકે તેમ નથી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer