ભવિષ્ય કા ભારત કાર્યક્રમનાં બીજા દિવસે સંઘ પ્રમુખે રાજકારણ સાથે સંઘનાં સંબંધ વિશે વિચાર મૂક્યા
નવીદિલ્હી, તા.18: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ વ્યાખ્યાન કાર્યક્રમનાં આજે બીજા દિવસે સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘ બંધારણ અનુસાર જ ચાલે છે અને બંધારણ વિરુદ્ધનું કોઈ પગલું ભરવામાં આવ્યું હોવાનો દાખલો નથી. સંઘ અને રાજનીતિનાં સંબંધ વિશે પણ સ્પષ્ટ વિચાર રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે સંઘ સરકારનાં કામકાજમાં કોઈ જ દખલ કરતું નથી. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર નાગપુરથી ચાલતી નથી. તેમણે કહ્યું હતું કે લોકો એવી અટકળો કરે છે કે નાગપુરથી ફોન જતાં હશે પણ આ સદંતર ખોટી વાત છે.
તેમણે આગળ કહ્યું હતું કે કેન્દ્રમાં કામ કરતાં ઘણાં લોકો સંઘનાં સ્વયંસેવકો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતનાં પદો ઉપર સંઘનાં લોકો આવી ચૂક્યા છે. સરકારમાં કામ કરતાં સંઘનાં લોકો વરિષ્ઠ અને અનુભવસિદ્ધ છે. તેમનો રાજકારણનો અનુભવ અમારા કરતાં પણ વધુ છે માટે તેમને કોઈની સલાહની જરૂર પડે નહીં. આમ છતાં જો સરકાર તરફથી કોઈ સલાહ માગવામાં આવે અને તો શક્ય હોય તો સૂચન કરવામાં આવે છે.
એક જ પક્ષમાં સંઘનાં માણસો શા માટે વધુ છે? તેવાં સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે સંઘને રાજકારણ સાથે શું સંબંધ? એક જ પક્ષમાં સ્વયંસેવક શા માટે વધુ જોડાય છે? અન્ય દળમાં જવાની ઈચ્છા કેમ નહી? આ વિશે તેમણે જ વિચાર કરવાનો છે. સંઘ કોઈપણ સ્વયંસેવકને કોઈ ચોક્કસ રાજકીય પક્ષ માટે જ કામ કરવા માટે કહેતું નથી.
કેન્દ્ર સરકાર નાગપુરથી ચાલતી નથી: મોહન ભાગવત
