‘રાફેલ સોદો સસ્તો હોય તો 126માંથી 36 વિમાનની ખરીદી જ શા માટે ?’

‘રાફેલ સોદો સસ્તો હોય તો 126માંથી 36 વિમાનની ખરીદી જ શા માટે ?’
જેપીસી તપાસની માગણી સાથે પૂર્વ  સંરક્ષણ મંત્રી એન્ટનીનો સણસણતો
સવાલ: સીતારમને કહ્યું, HALના સવાલનો જવાબ કોંગ્રેસે જ આપવાનો થાય
 
આનંદ કે. વ્યાસ
નવીદિલ્હી, તા.18: રાફેલ સોદામાં ગોટાળાની આશંકાનો મુદ્દો કોંગ્રેસ સળગતો રાખવાના તમામ પ્રયાસો કરી રહ્યો છે. જેમાં આજે દેશનાં પૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને ધગધગતો સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે જો રાફેલ યુદ્ધ વિમાનનો સોદો સસ્તામાં જ પડયો હોય તો 126 વિમાન ખરીદવાનો પ્રસ્તાવ હોવા છતાં તેને ઘટાડીને 36 કેમ કરી નાખવામાં આવ્યા? સામે પક્ષે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પલટવાર કરતાં કહ્યું હતું કે આ ડીલ યુપીએના શાસનકાળમાં થઈ નહોતી. એચએએલ અને દસોલ્ટ વચ્ચે ઉત્પાદનની શરતો વિશે પણ સહમતી બની શકી નહોતી. એટલે રાફેલ અને એચએએલ સાથે કામ કરી શકે તેમ ન હતા. તો પછી એચએએલ સાથે કોણ ન રહ્યું ? કોની સરકારમાં આવું થયું ? તેવો વળતો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
એન્ટનીએ આજે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે યુપીએ સરકારનાં અંતિમ દિવસોમાં રાફેલ સોદો લગભગ પૂર્ણતા ઉપર હતો પરંતુ એનડીએ સરકાર આવી પછી 10 એપ્રિલ 201પના રોજ 36 રાફેલ વિમાન ખરીદવાનો એકતરફી નિર્ણય લઈ લેવામાં આવ્યો. વાયુસેનાએ 126 વિમાન માગ્યા હતા તો વડાપ્રધાને તેને ઘટાડીને 36 કેમ કરી નાખ્યા તેનો જવાબ આપવો જોઈએ.
એન્ટનીએ કેન્દ્રને પૂછયું છે કે જો યુપીએનો સોદો રદ કરવામાં ન આવ્યો હોત તો એચએએલને આધુનિક ટેકનોલોજી મેળવવાની તક મળી હોત પરંતુ હવે તેને આ લડાયક વિમાન બનાવવાનો અનુભવ મળશે નહીં. ભારતે ખૂબ મોટી તક ગુમાવી દીધી છે. કાયદામંત્રી દાવો કરે છે કે આ સોદો 9 ટકા સસ્તો પડયો છે. નાણામંત્રી 20 ટકા સસ્તુ ગણાવે છે. ભારતીય વાયુદળ તેને 40 ટકા સોંઘુ કહે છે. તો પછી પૂરેપૂરા 126 વિમાન કેમ ખરીદવામાં ન આવ્યા. કોંગ્રેસની માગણી સ્પષ્ટ છે કે આ પ્રકરણની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. સીવીસીની બંધારણીય જવાબદારી છે કે તે આ સોદાનાં બધાં કાગળ ચકાસીને તેને સંસદ સમક્ષ રજૂ કરે.
સામે પક્ષે સીતારમણે જવાબ આપતાં કહ્યું હતું કે ગત સરકારે એવો નિયમ બનાવ્યો હતો કે ઓફસેટ માટે તે ખાનગી કે અન્ય કોઈપણ કંપની સાથે જઈ શકે છે. એચએએલ મુદ્દે ખરેખર તો કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. ઓફસેટના નિયમાનુસાર જેની પાસેથી સામાન ખરીદવામાં આવે તે ખાનગી કે જાહેરક્ષેત્રમાંથી થઈ શકે છે. આ કોંગ્રેસનાં જમાનોનો જ કાયદો છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટમાં રાફેલ મુદ્દે થયેલી જનહિત અરજી ઉપર સુનાવણી મોકૂફ રહી હતી અને 10 ઓક્ટોબરે વધુ સુનાવણી મુકરર થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer