નવેમ્બરમાં રાષ્ટ્રીય શાળાનું નવિનીકરણ

નવેમ્બરમાં રાષ્ટ્રીય શાળાનું નવિનીકરણ
વરસાદ અને અગ્નિથી બચાવવા ફાયબર સિમેન્ટનો ઉપયોગ
કમ્પાઉન્ડમાં જૂના સમયની હેરીટેજ લાઈટ ફીટ કરાઈ
રાજકોટ, તા. 12 : કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા ગાંધીજીની સ્મૃતિઓ સચવાયેલી છે, તેવા સ્થળોને ગાંધી હેરીટેજ સરકીટ તરીકે વિકસાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય શાળાના નવિનીકરણનું કામ ચાલે છે. હજી અઢી મહિના સુધી આ કામ ચાલશે અને રાષ્ટ્રીય શાળાના રંગરૂપ બદલાઈ જશે.
રાષ્ટ્રીય શાળાની સ્થાપના માટે ગાંધીજીને રાજકોટના રાજવી લાખાજીરાજ બાપુએ જમીન આપી દીધી હતી અને બાપુએ યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રજ્વલિત કરવા અને ખાદીની પ્રવૃતિ વધારવાના હેતુથી રાષ્ટ્રીય શાળાની સ્થાપના 1921માં કરી હતી. ગાંધીજીએ સત્યાગ્રહના ઉપવાસ માર્ચ 1939માં આ જ રાષ્ટ્રીય શાળામાં કર્યા હતા. હવે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધીજીની સ્મૃતિ જળવાઈ રહે અને દેશ-વિદેશના લોકો આ સ્થળો જોવા આવે તે માટે ગાંધી હેરીટેજ ટુરીઝમ અંતર્ગત આવા સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે. રાજકોટની રાષ્ટ્રીય શાળાનું પણ નવિનીકરણ ચાલી રહ્યું છે. હાલમાં રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડમાં જૂના સમયની હેરીટેજ ડિઝાઈન ધરાવતી લેમ્પ લાઈટ ફીટ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા નળિયાં નંખાઈ રહ્યા છે. જૂના પ્લાસ્ટર ઉખેડીને નવું કરાઈ રહ્યું છે અને બાદમાં કલરકામ પણ થશે. બારી-બારણા પણ રંગાશે. આગળના ભાગે છાપરાંની જગ્યાએ ફાયબર સિમેન્ટ વાપરવામાં આવી છે. જે વરસાદ અને અગ્નિથી બચાવે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીય શાળાનો તદ્દન નવો ‘લૂક’ જોવા મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer