ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ મનપાએ કેમ ન બનાવ્યા?

ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ મનપાએ કેમ ન બનાવ્યા?
જળપ્રદૂષણ નિવારવા અમદાવાદ મનપાએ 18 કૃત્રિમ કુંડ બનાવ્યાં, રાજકોટમાં એક પણ ન બન્યો !
રાજકોટ, તા.12 : હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, નદીઓ-જળાશયોમાં ગણેશ વિસર્જનની મનાઈ ફરમાવ્યાં બાદ સૂરત અને અમદાવાદમાં મહાપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કુત્રિમ કુંડ બનાવાયા છે પરંતુ રાજકોટ મનપાએ આ દિશામાં કોઈ પગલા લીધા નથી. રાજકોટ સહિતની સૌરાષ્ટ્રની મહાપાલિકાઓમાં ગણેશ વિસર્જનકુંડ બનાવાયા નથી. આવું શા માટે ? એ પ્રશ્નનો જવાબ મળતો નથી. હિન્દુઓના પ્રથમ પૂજનીય દેવતા એવા રિદ્ધિ-સિદ્ધિના સ્વામી, વિઘ્નહર્તા-સુખકર્તા દૂંદાળાદેવના દશ દિવસીય ગણેશોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલવાળી ગણપતિની મૂર્તિનું જળાશયોમાં વિસર્જન ન થાય તે માટે નદી કિનારે વિસર્જન કુંડ બનાવવા માટે હાઈકોર્ટના આદેશનો રાજકોટ મ્યુનિ.તંત્રએ ઉલાળિયો કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલવાળી ગણપતિની મૂર્તિ પર પ્રતિબંધ તેમજ આવી મૂર્તિઓનું જળાશયમાં વિસર્જન ન થાય તે માટે રાજ્ય સરકારને ચુસ્ત આદેશ આપ્યાં હતાં જેના જવાબમાં સરકારે પ્રદૂષણ મામલે રાજ્યના તમામ કોર્પોરેશનને નદી કિનારે વિસર્જન કુંડ બનાવીને ત્યાં પ્રતિમાઓનું વિસર્જન થાય તેવી વ્યવસ્થા કરશે તેવું જવાબમાં જણાવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશને તો  શહેરમાં 50 લાખના ખર્ચે 14 વિસ્તારોમાં કુલ 18 કૃત્રિમ કુંડ બનાવી લીધા છે, સૂરત અને મહેસાણા પણ આ દિશામાં આગળ વધ્યાં છે પરંતુ રાજકોટ સહિતની સૌરાષ્ટ્રની મહાપાલિકાએ જાણે આ બાબતને ગંભીરતાપૂર્વક લીધી ન હોઈ તેવું જણાઈ રહ્યું છે.
શહેરના મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધ પાની સનફ્રાન્સિસ્કોના પ્રવાસે છે ત્યાં તેઓ બન્ને કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ ઘટાડવા માટે રાજકોટ શહેરને મળેલો એવોર્ડ લેવા ગયાં છે ત્યારે ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને લીધે શહેરના જળાશયોમાં જે પ્રદૂષણ ફેલાવાનું છે તે બાબતની કોઈ ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી નથી. આ મુદ્દે સ્ટેન્ડિગ ચેરમેન ઉદય કાનગડ, કોર્પોરેશનના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારનો સંપર્ક સાધવા છતાં તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૂરતમાં પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિની મૂર્તિઓને વિસર્જિત કરવા સામે તંત્રની નિક્રિયતાનો અગાઉ હાઈકોર્ટમાં થયેલી એક અરજીમાં ઉલ્લેખ કરાયો હતો અને હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. એ અરજી બાદ જ સરકારે તમામ કોર્પોરેશનને મૂર્તિઓના વિસર્જન વખતે નદી તટે કુત્રિમ કુંડ નિર્માણ સહિતના નિર્દેશો આપ્યાં હતાં જેની અમલવારી કરવાનું રાજકોટ કોર્પોરેશને ટાળ્યું છે.
પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની મનાઈ છતાં વેંચાય છે !
ગયા વર્ષથી જ હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યના પોલીસતંત્રે પ્લાસ્ટર ઓફ પરીસની મૂર્તિઓ બનાવવા અને તેના વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં દર વર્ષે પી.ઓ.પી.ની મૂર્તિનું વેંચાણ થાય છે. અડધા ફૂટથી લઈ દસ ફૂટ સુધીની પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બને છે. ગયા વર્ષે વડોદરા પોલીસે પીઓપીની મૂર્તિઓ બનાવવા મનાઈ ફરમાવી હતી. આ વર્ષે અમદાવાદ પોલીસે મનાઈ ફરમાવી છે અને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓનું વેંચાણ ન થાય તે માટે પ્રયત્નશીલ છે ત્યારે રાજકોટમાં નાની-મોટી મૂર્તિઓ પીઓપીની જ વેંચાય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે. શું રાજકોટ પોલીસ આ બાબતે પગલાં લેશે ?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer