જામનગરમાં હથિયારો સાથે ટોળકી ઝડપાઈ : લૂંટ કે ધાડનો ઈરાદો

જામનગરમાં હથિયારો સાથે ટોળકી ઝડપાઈ : લૂંટ કે ધાડનો ઈરાદો
જામનગર તા.12 : જામનગરમાં રામેશ્વરનગર-વિનાયક પાર્ક પાસે ગઈરાત્રે તલવાર, છરી, લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે ધાડ પાડવા કે લૂંટના ઈરાદે એકત્ર થયેલા ચાર શખસો તથા એક તરૂણની ટોળકીને પોલીસે ઝડપી લઈ હથિયારો કબજે કર્યાં છે. પકડાયેલા શખસોએ લૂંટના 12 ગુના કબૂલ કર્યાં છે.
રામેશ્વરનગર પાસે વિનાયક પાર્કમાં ગઈરાત્રે કેટલાક શખસો તલવાર-છરી-પાઈપ- લોખંડના સળિયા સાથે ધાડ પાડવા કે લૂંટના ઈરાદે એકત્ર થયાં હોવાની બાતમીના આધારે પી.એસ.આઈ. વાય.એ. દરવાડિયા તેમના સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી ગયાં હતાં.
પોલીસે રાંદલનગરમાં રહેતા શિવા નવરંગભાઈ કપટા, નવાગામ ઘેડ માતૃ આશિષ સોસાયટીમાં રહેતા હાર્દિક દિલીપભાઈ ત્રિવેદી, રામેશ્વરનગર ગાયત્રી શેરી નં.2માં રહેતા વીક્કી સંજયભાઈ બરછા તથા ગાંધીનગરમાં રહેતા અશોકસિંહ શિવુભા જાડેજા તથા 17 વર્ષના એક તરૂણને ઝડપી લઈ તેઓ પાસેથી તલવાર, છરી, પાઈપ, ધોકો, લોખંડના સળિયા તથા ડીસમીસ જેવા હથિયારો તથા ત્રણ મોટર સાઈકલો, ચાર મોબાઈલ ફોન અને 41 હજારની રોકડ રકમ કબજે કરી હતી.
આ શખસોની પૂછપરછ  દરમિયાન તેઓએ લૂંટના 12 ગુના કબૂલ કર્યા હતાં. આ શખસો એકલ-દોકલ વ્યક્તિઓને રસ્તામાં આંતરી મારવાનો ભય બતાવી તેની પાસેથી લૂંટ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે આ શખસોને રિમાન્ડ ઉપર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer