19મા દિવસે ઉપવાસનો ‘હાર્દિક’ અંત

19મા દિવસે ઉપવાસનો ‘હાર્દિક’ અંત
સમાજ સામે ઝૂક્યો છું, સરકાર સામે નહીં : હાર્દિક
અમદાવાદ, તા.12: પાટીદાર સંસ્થાઓનાં અગ્રણીઓની સમજાવટ પછી હાર્દિક પટેલે આજે બપોરે પારણા કર્યા હતાં. આમ, તેના 19 દિવસનાં અનિશ્ચિત મુદતનાં ઉપવાસનો અંત આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું સમાજ સામે ઝૂકયો છું. સરકાર સામે નહીં. અમારી લડત ચાલું જ રહેશે. ઉપવાસ આંદોલનના આજે 19મા દિવસે હાર્દિક પટેલે બપોરે          સવા ત્રણ વાગ્યે લીંબુ પાણી, નાળીયેર પાણી તેમજ સાદુ પાણી પીને પારણા કરતા સમગ્ર કેમ્પસ જય સરદાર, જય પાટીદારના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. ઉમિયાધામ, ખોડલધામ સહિત તમામ છ પાટીદાર સંસ્થાના આગેવાનો નરેશ પટેલ, પ્રહલાદ પટેલ, સી.કે.પટેલ, રમેશભાઇ દૂધવાલા અને જયરામભાઇ પટેલના હસ્તે હાર્દિકે પારણા કર્યા હતા. ગઢડા સ્વામિનારાયણના એસ.પી. સ્વામીએ હાર્દિકને હાર પહેરાવી  આશીર્વાદ આપ્યા હતા.
હાર્દિકે પારણા કરતા કહ્યું કે, એક મહિનાથી મંજૂરી માંગવા છતા મંજૂરી મળી નહોતી ત્યારે સમાજના કહેવાથી આ પારણા કર્યા છે. સમાજની લાગણી હતી કે, જીવીશું તો લડીશુ, લડીશું તો મેળવીશું.  હું સમાજ સામે ઝૂક્યો છું, સરકાર સામે નહીં. આ ખેતરો ખેડતા ખેડૂતો માટેની લડાઇ છે, આલીશાન બંગલામાં રહેતા લોકો માટેની લડાઇ નથી. ભગતસિંહ બનવા નીકળ્યો તો દેશદ્રોહી બની ગયો અને ગાંધીજી બનવા નીકળ્યો, તો નજરકેદ થઇ ગયો. અમારી લડાઇ  ખેતરમાં મહેનત મજૂરી કરતા જે લોકો પાસે ખાતર લેવા પૈસા નથી, તે માટેની છે અને આ લડાઇમાં સમાજના વડીલો સાથે તેવી અમારી માંગણી અને લાગણી છે.
આ પ્રસંગે અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે સરકાર ઉપર જે પણ પ્રકારનું દબાણ કરવું પડે તે કરવા સાથે સારામાં સારા વકીલ રોકાવવા સહિતની કામગીરી કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ લડતમાં સહકાર આપનારા તમામ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દરમિયાન પાટીદાર આગેવાનો સી.કે.પટેલ અને નરેશ પટેલે  હાર્દિકની ઉપવાસ છાવણી ખાતે પહોંચીને પાટીદાર સમાજની એકતા અને સંગઠનની વાત કરી પાટીદાર યુવાનોને બિરદાવ્યા હતા. હાર્દિકના પારણા બાદ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે  કહ્યુ ંહતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. સમાજની તમામ સંસ્થાઓએ ગઇકાલે હાર્દિકને પારણા કરી લેવાનો સંદેશો પાઠવ્યો હતો. આપણામાં તાકાત હશે તો લડાશે. સમગ્ર સમાજ આજે ચિંતામાં છે. સમાજના દીકરાઓ જે આંદોલન લઇને બેઠા છે, તેમાં સમાજ તેની સાથે છે. વિશ્વ પાટીદાર સંસ્થાનના પ્રમુખ સી.કે.પટેલે જણાવ્યુ ંહતુ ંકે, સમાજના યુવાનો ચિંતા કરતા હોવા સાથે સંસ્થાઓ ચિંતન કરતી હોય ત્યારે સમાજના હિત માટે આયોજનપૂર્વક કામ કરવું જોઇએ.
ઉમિયા સંસ્થાના પ્રમુખ પ્રહલાદ પટેલે જણાવ્યુ ંહતું કે, કોઇપણ સમાજના વિકાસ માટે સ્વમાન ન સચવાય તો સમજવું કે, સંગઠનનો અભાવ છે. તમે બે ટુકડાઓ આપી દેશો એટલે સંતોષ માની લઇશું એવું નથી.
હાર્દિકે બીજીવાર પત્રકાર પરિષદ યોજી ઉપવાસ આંદોલનનો ચિતાર આપ્યો હતો. હાર્દિકે કહ્યું કે, અનશન દરમિયાન 3489 ગામડાઓમાં રામધૂન થઇ હતી અનેક લોકોએ સમર્થનમાં પ્રતિક ઉપવાસ કર્યા હતા પરંતુ સરકારે પારણા કરવા માટે સહેજ પણ પ્રયાસ કર્યો ન હતો. તેણે આ આંદોલન હવે દેશભરમાં લઇ જઇશું તેમ કહ્યું હતું.
હાર્દિકના બિન શરતી પારણાને આવકાર : નીતિન પટેલ 
અમદાવાદ, તા.12: આજે આમરણાંત ઉપવાસના 19માં દિવસે પાસ કન્વીનર હાર્દિક પટેલે પારણા કરી લેતા તેને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આવકાર્યા હતા. નીતિન પટેલે કહ્યુ ંહતુ ંકે, પાટીદાર અગ્રણીઓના હાથે પારણા કરવાનો નિર્ણય મોડો મોડો પણ સારો લીધો. તેમણે હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું હોવા વિશે ઉલ્લેખ કરીને તેનાથી પાટીદાર અગ્રણીઓની લાગણી દુભાઇ હોવાનું પણ જણાવ્યુ ંહતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer