ભારત છોડતા પહેલા નાણામંત્રીને મળ્યાનો વિજય માલ્યાનો દાવો

ભારત છોડતા પહેલા નાણામંત્રીને મળ્યાનો વિજય માલ્યાનો દાવો
માલ્યાના નિવેદન ઉપર રાજકીય ઘમાસાણ  જેટલીએ કહ્યું, માલ્યાનું નિવેદન તથ્યોથી પર  વિપક્ષે સરકાર પાસે માગી સ્પષ્ટતા
પ્રત્યાર્પણ ઉપર 10 ડિસેમ્બરે ફેંસલો
નવી દિલ્હી, તા. 12 : શરાબના કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણની ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ એક નિવેદન આપીને ઘડાકો કર્યો છે. માલ્યાએ કહ્યું હતું કે, તેણે ભારત છોડતા પહેલા નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત સમાધાન માટે કરવામાં આવી હતી. પરંતુ બેંકોએ સમાધાન માટેની યોજના ઉપર સવાલ ઉઠાવ્યા હતા. માલ્યાના નિવેદન બાદ વિપક્ષે મોદી સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને સરકારનો જવાબ માગ્યો હતો. જેના પરિણામે નાણામંત્રીને તાકીદે નિવેદન આપવાની ફરજ પડી હતી. જેટલીએ માલ્યાના નિવેદનને તથ્યાત્મક રીતે      ખોટું અને સત્યથી દૂર ગણાવ્યું હતું. આ જ કારણથી મુલાકાતનો કોઈ સવાલ જ ઉઠતો ન હોવાનું ઉમેર્યું હતું. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાગેડુનો સાથ અને લુંટારાનો વિકાસ એ જ ભાજપનું લક્ષ્ય છે. બીજી તરફ જેટલીના નિવેદન બાદ માલ્યાએ સ્પષ્ટતા કરતા ઔપચારિક બેઠક થઈ હોવાનો ઈનકાર કર્યો હતો અને માત્ર મુલાકાત થઈ હોવાનું કહ્યું હતું. વિવાદ વચ્ચે હવે આગામી 10મી ડિસેમ્બરના રોજ માલ્યાના પ્રત્યાર્પણ ઉપર લંડનની કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવશે.
આ અગાઉ કોર્ટ બહાર માલ્યાને નાણામંત્રી સાથે મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે માલ્યાએ કહ્યું હતું કે, તે મુલાકાતની વિસ્તારથી માહિતી આપી શકે નહી. વધુમા માલ્યાએ ઉમેર્યું હતું કે, લોન મુદ્દે સમાધાન માટે તેણે વારંવાર બેંકોને પત્ર લખ્યા હતા. પરંતુ બેંકોએ પત્ર ઉપર જ સવાલ ઉઠાવ્યા હતા. વધુમાં બેંકો દ્વારા મુકવામાં આવેલા આરોપો પણ પાયાવિહોણા હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન ભારતની એજન્સીએ કોર્ટમાં ભારતીય જેલોની સ્થિતિનો એક વીડિયો રજૂ કર્યો હતો. જેના ઉપર માલ્યાએ સવાલ ઉઠાવીને ભારતને ન સોંપવા કોર્ટમાં અપીલ કરી હતી. બીજી તરફ માલ્યાએ જેટલી સાથે મુલાકાત કરી હોવાનું નિવેદન આપતાં વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે તાકીદે નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરતા મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ હતી તેની વિગતો આપી હતી.
જેટલીએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, માલ્યાનું નિવેદન પાયાવિહોણું છે. રાજ્યસભાના સભ્ય હોવાના નાતે માલ્યાએ એક વખત મળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ સદનમાંથી બહાર નિકળીને પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા.  જેટલીએ ઉમેર્યું હતું કે, ઝડપથી તેઓની પાસે આવીને માલ્યાએ કહ્યું હતું કે, તે સમગ્ર વિવાદનું નિરાકરણ કરવા માગે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય ન હોવાથી બેંકો સાથે વાતચીત કરવા કહ્યું હતું. બેંકોના કરજ સંબંધિત કારોબારી હિતને જોતા મુલાકાત માટે સમય આપવાની તો વાત જ ઉભી થતી નથી. આનાથી વિશેષ કોઈ વાતચીત થઈ નહોતી અને આ વાત પણ માલ્યાને રાજ્યસભાના સભ્ય હોવાના નાતે મળેલા વિશેષાધિકારના કારણે થઈ હતી.
બ્રિટિશ ન્યાયમૂર્તિઓએ મુંબઇની જેલનો વીડિયો ત્રણ વાર જોયો
લંડન, તા. 12 : ભાગેડુ ભારતીય કારોબારી વિજય માલ્યા બુધવારે લંડનની વેસ્ટ મિસ્ટર કોર્ટમાં હાજર થયા હતા. પ્રત્યાર્પણ મામલાની સુનાવણી દરમ્યાન ન્યાયમૂર્તેઓએ  ભારતીય અધિકારીઓ દ્વારા મુંબઇની આર્થર રોડ જેલમાં માલ્યા માટે કરાયેલી તૈયારીનો વીડિયો જોયો હતો.
ન્યાયમૂર્તિઓએ બેરેકનો વીડિયો ત્રણ વાર જોઇને સમીક્ષા કરી હતી. સુનાવણી દરમિયાન માલ્યાના વકીલોએ કહ્યું હતું કે, માલ્યાએ જે કંઇપણ કર્યું તે બ્રિટનમાં અપરાધી કૃત્ય ગણાતું નથી.
અગાઉ અદાલતમાં પ્રવેશતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતાં માલ્યાએ કહ્યું હતું કે, મેં મામલાના સંપૂર્ણ સમાધાનની કર્ણાટક સરકારમાં અપીલ કરી છે અને મારા પક્ષમાં ફેંસલાની આશા છે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાને ભાગેડુ અપરાધી જાહેર કરી દેવા સાથે ભારતીય એજન્સીઓ કારોબારીની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer