ટેકાના ભાવે ખરીદી માટે 15 હજાર કરોડની નવી નીતિ

ટેકાના ભાવે ખરીદી માટે 15 હજાર કરોડની નવી નીતિ
 ‘પ્રધાનમંત્રી અન્નદાતા મૂલ્ય સંરક્ષણ યોજના’ને કેબિનેટની મંજૂરી : તેલીબિયાનાં ભાવ સમર્થન મૂલ્યથી ઘટે તો રાજ્યો પાસે એકથી વધુ યોજનાનાં વિકલ્પ રહેશે
નવીદિલ્હી, તા.12: કેન્દ્રીય કેબિનેટે 1પ0પ3 કરોડ રૂપિયાની ખેતપેદાશોની નવી ખરીદનીતિને મંજૂરી આપી છે. જેનાં અંતર્ગત એક યોજના જો દર ટેકાનાં ભાવથી નીચે ગગડી જાય તો ખેડૂતોને વળતર ચૂકવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને બીજી યોજના ખરીદીમાં ખાનગી પેઢીઓને લાવવા રાજ્યોને મંજૂરી આપવાનું કામ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે બજેટમાં સરકારે ઘોષણા કરેલી કે ટેકાનાં ભાવ માટે એક નક્કર વ્યવસ્થા લાવવામાં આવશે. રાજ્યો અને કૃષિ મંત્રાલય સાથે પરામર્શ કરીને આનાં માટે સૂચનો કરવા માટે નીતિ આયોગને કહેવામાં આવેલું. જાણવા મળેલી વિગતો અનુસાર કૃષિ મંત્રાલયે નવી ખરીદ નીતિ ‘પ્રધાનમંત્રી અન્નદાતા મૂલ્ય સંરક્ષણ યોજના’ની દરખાસ્ત મૂકી હતી અને તેને જ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આમાં ભાવ સમર્થન મૂલ્ય કરતાં ઘટી જાય ત્યારે ખેડૂતોનાં હિતને રક્ષવા માટે રાજ્યો બહુવિધ યોજનાઓમાંથી પસંદગીનો વિકલ્પ રાજ્યોને મળશે. તેલીબિયા માટે મધ્યપ્રદેશની ભાવાંતર ભુગતાન યોજનાની તર્જ ઉપર મૂલ્ય ખાધ ચુકવણા (પીડીપી) નામે નવી યોજના બનાવવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer