ભાણવડ પાસે મહારાષ્ટ્રના ટ્રકમાંથી 57 લાખનો દારૂ મળ્યો

ભાણવડ પાસે મહારાષ્ટ્રના ટ્રકમાંથી 57 લાખનો દારૂ મળ્યો
પથ્થરની ખાણમાં કટીંગ પહેલા જ પોલીસની કાર્યવાહી

ખંભાળિયા, તા.12 : દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકો વિદેશી દારૂનું મુખ્ય મથક બની રહ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાણપર ગામેથી થોડા માસ પૂર્વે વિદેશી દારૂ ભરેલું એક ટોરસ મળી રૂા.પોણો કરોડનો મુદ્દામાલ ઝડપાયા બાદ ગત રાત્રીના પોલીસે રાણપર પંથકમાંથી 1188 બોટલ પરપ્રાંતિય દારૂ ઝડપી લીધો છે. જો કે આ દરોડામાં બુટલેગરો અંધારામાં નાશી છૂટવામાં સફળ રહ્યાં હતાં.
વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી પરથી જિલ્લા એલ.સી.બી.પોલીસે ગત રાત્રીના નાઇટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. રાણપર ગામ નજીક બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ સ્થળે ધીંગેશ્વર મહાદેવના મંદિર તરફથી પસાર થતા એમ.એચ.43 એફ.4935 નંબરના એક પરપ્રાંતિય ટ્રકને અટકાવી તેમાં ચેકીંગ કાર્યવાહી કરતાં આ ટ્રકમાં બેઠેલા સાત થી આઠ શખસો આ ટ્રકને રેઢો મુકી અંધારામાં ઓગળી ગયા હતા. આ ટ્રકમાં ચેકીંગ કરતા ટ્રકમાં તાલપત્રી ઢાકેલા તેના ઠાઠામાંથી 1188 પેટી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. કુલ,14,256 બોટલ પરપ્રાંતિય શરાબનો જથ્થો મળી આવતા રૂા.57,02,400/-ની કિંમતના વિદેશી દારૂ તથા રૂા.બાર લાખની કિંમતના આયસર ટ્રક મળી, કુલ રૂા.69,06,900/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
દારૂનો આ જથ્થો રાણપર ગામના જ કુખ્યાત શખ્સો અરજણ આલા કોડીયાતર, પોપટ આલા કોડીયાતર, કરમણ ઉર્ફે ઘેલીયો જગાભાઇ કોડીયાતર અને લાખા રામા કોડીયાતર નામના શખ્સોએ મંગાવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
એલ.સી.બી.પી.આઇ. એલ.ડી.ઓડેદરા તથા સ્ટાફે આ કાર્યવાહી રાણપર ગામે જૂની બંધ પથ્થરની ખાણમાંથી ઉપરોક્ત ટ્રકમાંથી દારૂ ઉતારતી વખતે કરવામાં આવી હતી. જેમાં દારૂ કટીંગ કરાય તે પહેલાં જ પોલીસે તેઓને પકડી પાડયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer