પ્રે. પંચાલ સામેના આક્ષેપોમાં તથ્ય હોવાનો યુનિ. સત્તાધીશોનો નિર્દેશ

કાલની સિન્ડીકેટ બેઠકમાં જરૂર પડયે પ્રોફેસરને રૂબરૂ બોલાવવામાં આવશે

રાજકોટ, તા. 1ર :  પોતાની પાસે શિક્ષણનું માર્ગદર્શન મેળવવા આવતી વિદ્યાર્થિની પર કુદ્રષ્ટિ કર્યાના આક્ષેપિત બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલની કરતૂતથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ થયું છે. આ મુદ્દે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલે કુલપતિને બંધ કવરમાં રિપોર્ટ આપ્યો છે. જેની શુક્રવાર તા. 14મીના રોજ સિન્ડીકેટની બેઠકમાં સુનાવણી કરાશે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રો. પંચાલ સામેના આક્ષેપોમાં તથ્ય હોવાનો યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધિશોએ નિર્દેશ આપ્યો હતો.
 આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે બાયો સાયન્સ ભવનના પ્રો. પંચાલની ગાઈડશીપ હેઠળ પીએચડી કરી રહેલી વિદ્યાર્થિનીને તેણે સંશોધનપત્રમાં આગળ વધવા માટે પોતાની ઈચ્છા પૂરી કરવા શરત મુકી હતી. જેને તાબે વિદ્યાર્થિની નહીં થતા અગાઉના બે કુલપતિ સમક્ષ ફરિયાદ કરી હતી. જેમણે કોઈ કારણસર આ ઘટનામાં તપાસ ચલાવી ન હતી. અંતે વર્તમાન કાર્યકારી કુલપતિ પ્રો. દવે સમક્ષ ફરી એક વખત વિદ્યાર્થિનીએ પોતાના ગાઈડના બદઈરાદા વિશે રજૂઆત કરી હતી.
કુલપતિ નિલામ્બરીબેને જણાવ્યું હતું કે ‘એ વિદ્યાર્થિની સૌપ્રથમ મારી પાસે આવી હતી. તેની રજૂઆત સાંભળીને મેં તેને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ પાસે નિયમાનુસારની કાર્યવાહી કરવા મોકલી હતી. તેમજ સેલના સભ્યોને તાબડતોબ બોલાવ્યા હતા. જ્યાં હું પોતે પણ ગઈ હતી અને અમે બધાએ સાથે મળીને વિદ્યાર્થિનીની ફરિયાદ સાંભળી હતી. આ તકે કોઈને પૂર્વ તૈયારી કરવાનો સમય ન મળે તેમજ ભલામણો કે દબાણ ન આવે તેથી જેના પર સતામણીનો આક્ષેપ છે તે પ્રોફેસર પંચાલને પણ તાત્કાલિક સેલ સમક્ષ બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળ્યા બાદ તેણીના પિતાની વાત અમે સાંભળી આ ગંભીર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી છે.’
 જો આ ઘટનામાં પ્રાધ્યાપક દોષિત ઠરાવાશે તો નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી વિદ્યાર્થિની અને પ્રોફેસર, બન્નેના નિવેદનો લેવાઈ ગયા છે. આ મુદ્દે જ સિન્ડિકેટની બેઠક વહેલી બોલાવી છે. શુક્રવારે સિન્ડીકેટની બેઠકમાં જરૂર પડયે આ પ્રોફેસરને રૂબરૂ બોલાવવામાં આવશે.
 દરમિયાન ગુરૂનો અંચળો ઓઢીને ફરતા આ પ્રોફેસરનું ગર્વ ખંડન થતા તે મંગળવારથી બે દિવસની રજા પર ઉતરી ગયો છે. ગુરૂવારે સંવત્સરીની જાહેર રજા છે. શુક્રવારે તેના વિશે ફેંસલો સંભળાવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer