બારદાન કૌભાંડ: દિલ્હીના વકીલને રાજકોટમાં હાજર થવા કોર્ટનો આદેશ

ગુજકોટના મેનેજરે વીમો પકાવી દેવા 50 લાખ દિલ્હીના મહેશ તુલીને મોકલ્યા હતા

રાજકોટ, તા.1ર: બારદાન કાંડમાં 13 કરોડનો વીમો પકવવાના મામલે ગુજકોટના મેનેજરે દિલ્હીના વચેટિયા મહેશ તુલીને પ0 લાખ રૂપિયા મોકલ્યા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચનો કાફલો દિલ્હી તેની ધરપકડ કરવા ગયો ત્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. કોર્ટે તેની ધરપકડ સામે 12મી સુધીનો સ્ટે આપ્યો હતો. બાદમાં ક્રાઈમ બ્રાંચે દિલ્હી કોર્ટમાં સોગંદનામું કરતાં કોર્ટે મહેશ તુલીને પંદર દિવસમાં રાજકોટ હાજર થવા આદેશ આપ્યો છે.
જૂના માર્કેટયાર્ડમાં લાખોની કિંમતના બારદાનના જથ્થામાં આગ લાગતાં બારદાનનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. લાખો બારદાન બારોબાર વેચી નાખવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે બે ગુના નોંધ્યા હતા અને મગન ઝાલાવડિયા તથા બે વેપારી સહિત સાત શખસોની ધરપકડ કરી હતી. 13 કરોડનો વીમો પકવવા માટેથી અમદાવાદ ગુજકોટના મેનેજર મનોજ ચત્રભૂજ બ્રહ્મભટ્ટે દિલ્હીમાં રહેતા વચેટિયા મહેશ તુલીને આંગડિયા મારફત રૂ.પ0 લાખ આપ્યાની વિગતો પ્રકાશમાં આવી હતી.
કોર્ટના આદેશના પગલે ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ દિલ્હી પહોંચ્યો હતો અને હાથધરેલી તપાસમાં વીમો પકવવા માટેથી રૂ.પ0 લાખની રકમ લેનાર વચેટિયો મહેશ તુલી વકીલ હોવાનું ખૂલ્યું હતું. ક્રાઈમબ્રાંચનો સ્ટાફ પહોંચતા જ વકીલ મહેશ તુલીની તબીયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિલ્હી કોર્ટે તા.1ર સુધી ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી તથા સ્ટાફ દિલ્હી પહોંચ્યા હતા અને કોર્ટમાં વકીલ મહેશ તુલીની બારદાન કૌભાંડમાં પૂછતાછ કરવા સહિતના મામલે સોગદનામું કર્યું હતું. દિલ્હી કોર્ટે વકીલ મહેશ તુલીને 1પ દિવસમાં રાજકોટ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો. દિલ્હીના વકીલ મહેશ તુલીની ધરપકડ થયા બાદ વધુ વિગતો પ્રકાશમાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer