આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ કવિ વિનોદ જોશીને અર્પણ કરાશે

24 ઓકટોબર- શરદપૂનમે જૂનાગઢમાં મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત થશે

ભાવનગર,તા.12 : ગુજરાતી કાવ્યસાહિત્યનો સૌથી મોટો આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ વર્ષ 2018 માટે ગુજરાતી ભાષાના સુવિખ્યાત કવિ વિનોદ જોશીને અર્પણ કરવાની ઘોષણા થઇ છે. આગામી તા.24 ઓકટોબર, શરદ પૂર્ણિમાએ જૂનાગઢ ખાતે મોરારિબાપુના વરદ હસ્તે કવિનું રૂપિયા એક લાખ એકાવન હજારની રાશિ તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા તેમજ શાલ અને સન્માનપત્રથી અભિવાદન કરવામાં આવશે. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત રઘુવીર ચૌધરી તેમજ અન્ય સાહિત્યકારો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ દ્વારા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલી રૂપાયતન સંસ્થામાં યોજાશે. અગાઉ રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, અમૃત ઘાયલ, સુરેશ દલાલ, ભગવતીકુમાર શર્મા, રમેશ પારેખ વગેરે આ એવોર્ડથી સન્માનિત થયા છે.
વિનોદ જોશીને આ પૂર્વે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રૂપિયા એક લાખના સાહિત્યગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત એમને કવિશ્વર દલપતરામ એવોર્ડ કવિશ્રી ઉમાશંકર જોશી એવોર્ડ, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, ક્રિટીકલ એવોર્ડ, તેમજ આ વર્ષે જ ઇન્ડિયન નેશનલ થિયેટરના કલાપી એવોર્ડ અને ભારતીય વિદ્યાભવનના સમર્પણ સન્માનથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેઓએ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તેમજ ડીન અને કુલપતિપદે રહીને સેવાઓ આપી છે. હાલમાં તેઓ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીમાં ગુજરાતી તેમજ પશ્ચિમ ભારતીય ભાષાઓના કન્વીનર તરીકે કાર્યરત છે.
આ પ્રસંગે વિનોદ જોશીના તાજેતરમાં લખાયેલા સાત સર્ગ અને 1800 પંકિતના પ્રબંધકાવ્ય સેરન્ધ્રીનું મોરારિબાપુ દ્વારા લોકાર્પણ થશે. ઉલ્લેખનીય છે કે અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં વિનોદ જોશીનું એક અગ્રણી કવિ તરીકે સ્થાન છે. ગુજરાતી સુગમ સંગીત એમના ગીતોથી સમૃધ્ધ છે. સંસ્કૃત અને માત્રા મેળ છંદોમાં લખાયેલા એમના દીર્ઘકાવ્યો અને સોનેટો વગેરેની ઉંચી કક્ષાની કવિતા તરીકે વ્યાપક નોંધ લેવાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer