રાજકોટમાંથી 300 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ

રાજકોટ, તા.1ર : રાજકોટમાં નશીલા પદાર્થોનું બેફામ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. થોડા સમય પહેલા જંગલેશ્વર વિસ્તારમાંથી મુસ્લિમ વૃધ્ધાને સવા કીલો ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા બાદ પડદો પડી ગયો હતો. દરમિયાન ગાંધીનગરથી નાર્કોટીકસ વિભાગને મળેલી બાતમીના આધારે રાજકોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને રૂ. 81 લાખની કિંમતના ચરસના જથ્થા સાથે જંગલેશ્વર વિસ્તારના ચાર મુસ્લિમ શખસોને ઝડપી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન એસઓજીના સ્ટાફે જંગલેશ્વર વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતી મુસ્લિમ મહિલાના મકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનો 300 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો અને બે વૈભવી કાર કબજે કરી મુસ્લિમ મહિલાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં સૌપ્રથમ વખત આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસતંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, જંગલેશ્વર વિસ્તારની મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતી મદીના ઓસમાણ જુણેજા નામની મુસ્લિમ મહિલાના મકાનમાં જંગી પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઉતર્યો હોવાની એસઓજીના જમાદાર આર.કે. જાડેજા, પોલીસમેન ગીરીરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ અને ગીરીરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ક્રાઈમબ્રાંચના એસીપી જે.એચ. સરવૈયા તથા પીઆઈ. ગડુ તથા ધર્મેન્દ્રસિંહ રાણા, વિજય શુકલા સહિતના સ્ટાફે મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતી મદીના ઓસમાણ જુણેજા નામની મુસ્લિમ મહિલાના મકાનમાં દરોડો પાડયો હતો અને મકાનની તલાસી લેતા ર0 કિલો પેકીંગના 10 કોથળા ભરેલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ઘર પાસે પડેલી સ્કોર્પીયો કાર તથા હોન્ડા સીટી કારમાંથી પણ ગાંજાનો જથ્થો મળી આવતા અંદાજીત 300 કિલોથી વધુ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં પડાયેલી મહિલા મદીના જુણેજાનો પતિ સાવરણા વેચવાનો ધંધો કરે છે. થોડા સમય જંગ્લેશ્વરના નુરાનીપરા ચોકમાં રહેતી મદીના જુણેજાની માતા અમીનાબેન હમીર સુણા નામની મુસ્લિમ વૃધ્ધાને એસઓજીના સ્ટાફે સવા કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી. પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર સહિતના શખસોની શોધખોળ શરૂ કરી પકડાયેલ મદીના જુણેજાની પણ પૂછતાછ કરી મુખ્ય સુત્રધાર સહિતનાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer