પેટ્રોલિયમની કિંમત પ્રશ્ને દખલગીરીનો કોર્ટનો ઇનકાર

પેટ્રોલિયમની કિંમત પ્રશ્ને દખલગીરીનો કોર્ટનો ઇનકાર
નીતિ વિષયક બાબત ગણાવી : દિવસો બાદ ઇંધણના ભાવમાં વધારો ન ઝિંકાયો
નવી દિલ્હી, તા. 12 : આસમાને જઇ રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતના મામલામાં કોઇપણ દરમિયાનગીરી કરવાનો આજે દિલ્હી હાઇકોર્ટે સાફ ઇન્કાર કર્યો હતો  અને તેને નીતિવિષયક નિર્ણય તરીકે ગણાવ્યો હતો.
એક જનહિત અરજી ઉપર સુનાવણી કરતી વેળા આજે કોર્ટે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી.
દરમ્યાન પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે આજે આંશિક રાહત મળી હતી. છ દિવસ બાદ રાહત મળતાં દિલ્હી અને મુંબઇમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો.
કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત  એક રૂપિયો ઘટી છે. બંગાળ સરકારે એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. ચેન્નાઇમાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં બે પૈસાનો નજીવો ઘટાડો કર્યો છે.
તેલ કંપનીઓ દ્વારા પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતાં 26મી ઓગસ્ટથી 11મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડની કિંમત વધતાં અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer