સાંસદ-વિધાયક સામેના ફોજદારી કેસોની વિગતો મંગાવતી સુપ્રીમ

સાંસદ-વિધાયક સામેના ફોજદારી કેસોની વિગતો મંગાવતી સુપ્રીમ
વિશેષ અદાલત ન બનાવનારા 18 રાજ્યોને નોટિસ
નવી દિલ્હી, તા. 12: દાગી સાંસદો અને વિધાયકો સામે પેન્ડિંગ ફોજદારી કેસની સુનાવણી માટે વિશેષ કોર્ટ બનાવવા માટે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવ અને સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે સાંસદો અને વિધાયકો સામેના પેન્ડિંગ અપરાધિક કેસની વિગતો મંગાવી છે. આ ઉપરાંત તમામ મુકદમાને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વિશેષ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે કેમ તેવો સવાલ પણ પૂછયો હતો.  આ ઉપરાંત ઉત્તરાખંડ, તામીળનાડુ સહિત 18 રાજ્યોને વિશેષ કોર્ટ ન બનાવવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી.
આંધ્રપ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તેલંગણ સહિતનાં 10 રાજ્યોમાં 1-1 વિશેષ અદાલત બનાવવામાં આવી છે. જ્યારે દિલ્હીમાં 2 કોર્ટ કામગીરી કરી રહી છે. આ અગાઉ મંગળવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે, સાંસદો અને વિધાયકો સામે 1233 કેસ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને 136 કેસમાં ચુકાદા આવ્યા છે. વર્તમાન સમયમાં સાંસદો અને વિધાયકો સામે સૌથી વધુ 249 અપરાધિક મામલા બિહારમાં દાખલ થયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer