4-1ની જીતથી ICC ક્રમાંકમાં ઇંગ્લેન્ડને ફાયદો

4-1ની જીતથી ICC ક્રમાંકમાં ઇંગ્લેન્ડને ફાયદો
હાર છતાં ટીમ ઇન્ડિયા નંબર વન પર યથાવત્
દુબઈ, તા.12: નંબર વન ભારતીય ક્રિકેટ ટીમ સામેની સિરીઝમાં 4-1થી શાનદાર વિજય હાંસલ કરનાર ઇંગ્લેન્ડની ટીમને આઇસીસી ક્રમાંકમાં ફાયદો થયો છે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ હવે એક ક્રમ ઉપર આવીને આઇસીસી ક્રમાંકમાં ચોથા સ્થાન પર આવી ગઇ છે. શ્રેણીમાં 1-4ની કારમી હાર છતાં કોહલીની ટીમ નંબર વન પર જળવાઇ રહી છે પણ તેના રેટિંગ ઘટીને 11પ થઇ ગયા છે. બીજા સ્થાન પરની દક્ષિણ આફ્રિકાની ટીમ 106 પોઇન્ટ ધરાવે છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 10પ પોઇન્ટ સાથે ન્યુઝિલેન્ડથી આગળ થઇ છે.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતના 12પ પોઇન્ટ અને ઇંગ્લેન્ડના 97 પોઇન્ટ હતા. ભારતીય ટીમને 10 પોઇન્ટનું નુકસાન થયું છે તો ઇંગ્લેન્ડને 8 પોઇન્ટનો ફાયદો થયો છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (106) છે. જ્યારે પાંચમા નંબરની ન્યુઝિલેન્ડની ટીમ પાસે 102 પોઇન્ટ છે. આ પછી અનુક્રમે શ્રીલંકા (97), પાકિસ્તાન (88), વેસ્ટ ઇન્ડિઝ (77) અને બાંગલાદેશ (67) છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer