શું આ શ્રેષ્ઠ ટીમ ? સવાલ પર કોહલી ચીડાયો

શું આ શ્રેષ્ઠ ટીમ ? સવાલ પર કોહલી ચીડાયો
પત્રકાર પરિષદમાં ભારતીય સુકાની ગુસ્સો કાબૂમાં રાખી શકયો નહીં
લંડન, તા.12: ઇંગ્લેન્ડ સામેના આખરી ટેસ્ટની હાર બાદ ભારતીય સુકાની વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં એક સવાલ પર તેનો ગુસ્સો કાબુમાં રહ્યો ન હતો. ઇંગ્લેન્ડ સામેની 1-4થી મળેલી શ્રેણી હાર પર જ્યારે એક પત્રકારે વિરાટ કોહલીને એવો સવાલ કર્યોં કે પૂરી શ્રેણી દરમિયાન ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ટક્કર આપવાની કોશિશ કરી, શું આ દરમિયાન ટીમ પર પાછલા 1પ વર્ષની શ્રેષ્ઠ ટીમ હોવાનું દબાણ હતું ? શું તમારું માનવું છે કે આ પાછલા 1પ વર્ષની શ્રેષ્ઠ ટીમ છે ? જવાબમાં લાલચોળ થઇ ગયેલા કોહલીએ કહ્યુ કે કેમ નહીં અમને વિશ્વાસ છે કે અમે શ્રેષ્ઠ ટીમ છીએ અને પત્રકારને વળતો સવાલ કર્યો કે તમારું શું માનવું છે? જવાબમાં પત્રકારે કહ્યું કે મને નથી લાગતું. જેના પર કોહલી વધુ ચીડાયો અને કહ્યું કે એ તમારો મત છે. આ દરમિયાન કોહલી તેનો ગુસ્સો કાબુમાં રાખી શકયો ન હતો. કોહલીની આ વર્તણુંકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
અત્રે એ ઉલ્લેખનિયર રહેશે કે  ટીમના કોચ રવિ શાત્રીએ પાંચમા ટેસ્ટ પહેલા એવો દાવો કર્યો હતો કે વર્તમાન ટીમ પાછલા 1પ-20 વર્ષોની શ્રેષ્ઠ ભારતીય ટીમ છે. જેના પર કોહલીને ઉપરોકત સવાલ કરાયો હતો.
પત્રકાર પરિષદમાં કોહલીએ સંન્યાસ લઇ રહેલ ઇંગ્લેન્ડના મહાન ખેલાડી એલિસ્ટર કૂકની પ્રશંસા કરતા જણાવ્યું કે તે ખેલનો મહાન દૂત છે. જેણે કયારે પણ સીમા પાર કરી નહીં. તે દરેક ખેલાડી માટે શાનદાર ઉદાહરણ છે. તેના માટે અમને બધાને ઘણું સન્માન છે. તેની 147 રનની ઇનિંગ દરમિયાન તેની પ્રતિબધ્ધતા જોવા મળી હતી. તે તેની આખરી ઇનિંગને પણ હળવારથી લઇ શકયો હતો અને આનંદ માણી રહ્યો હતો. કૂકને શાનદાર કારકિર્દી માટે અભિનંદન.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer