પૂર્વ હોકી સુકાની સરદારસિંહે સંન્યાસ લીધો

પૂર્વ હોકી સુકાની સરદારસિંહે સંન્યાસ લીધો
12 વર્ષની સફળ કારકિર્દીનો અંત
નવી દિલ્હી, તા.12: પૂર્વ ભારતીય હોકી સુકાની સરદારસિંહે આજે તેની ઝમકદાર કારકિર્દીને વિરામ આપવાનો નિર્ણય લીધો છે. એશિયન ગેમ્સમાં પ્રારંભે શાનદાર દેખાવ બાદ ભારતીય હોકી ટીમને નિરાશા સાથે કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. આ નિષ્ફળતા બાદ સરદારસિંહે નિવૃત્તિનો નિર્ણય લીધો છે. સરદારની વય વધી રહી હતી અને તેની રમતમાં પહેલા જેવી સ્ફૂર્તિ જોવા મળતી ન હતી. આથી એશિયન ગેમ્સ દરમિયાન તેના પ્રદર્શનની આલોચના થઇ હતી. સરદારે નિવૃત્તિ લેતા કહ્યંy છે કે હવે નવી પેઢીને જવાબદારી સંભાળવાનો સમય આવી ગયો છે.
હોકી ઇન્ડિયાએ નેશનલ કેમ્પ માટે 2પ ખેલાડીની સૂચિ જાહેર કરી છે. જેમાં સરદારસિંહનું નામ ન હતું. આથી એવી અટકળો થઇ રહી હતી કે સરદારસિંહ હવે ઇન્ટરનેશનલ હોકીને બાય બાય કરી દેશે. સરદારસિંહે તેની કારકિર્દીનો પ્રારંભ 2006માં પાકિસ્તાન સામે રમીને કર્યો હતો. તે 12 વર્ષ સુધી ટીમનો સ્ટાર મીડફિલ્ડર બની રહ્યો. 32 વર્ષીય આ ખેલાડીએ ભારત વતી 3પ0 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો. તેણે 2008થી 2016 સુધી 8 વર્ષ સુધી સુકાનીપદ સંભાળ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer