મનપાની પ્રેક્ષક ગેલેરી બંધ શા માટે?

મનપાની પ્રેક્ષક ગેલેરી બંધ શા માટે?

રાજકોટ મહાપાલિકામાં સામાન્ય સભા થાય ત્યારે કામગીરી નિહાળવા માટે શહેરની જનતાને લાભ મળે એ માટે પ્રેક્ષક ગેલેરી બનાવવામાં આવી છે પણ એ ગેલેરી દોઢેક વર્ષથી બંધ છે. આમ આદમી એમના નગરસેવકો સામાન્ય સભામાં શું કરે છે? પ્રજાના પ્રશ્ને કેટલા ગંભીર છે એ બધું જોઈ શકતો નથી કારણ કે પ્રેક્ષક ગેલેરી બંધ છે  અને એ ખુલે એવી શક્યતા દેખાતી નથી. આ મુદે છુટક વિરોધ થાય છે, રાજકીય વિરોધ થાય છે પણ પ્રજાનો અવાજ જેમાં હોય એવો બોલકો વિરોધ થતો નથી એ કમનસીબી છે. કોઈ જાહેર સંસ્થાને આ પ્રશ્ન બહુ મહત્વનો લાગતો હોય એવું જણાતું નથી.
દોઢેક વર્ષ પહેલા સામાન્ય સભામાં પાણીના પ્રશ્ને ગરમાગરમી થઇ ત્યારે કોંગ્રેસના બે મહિલા નગરસેવકના પતિઓ પ્રેક્ષક ગેલેરીમાં હતા એ અંદર આવી ગયા અને પછી બંને પક્ષે ઝપાઝપી થઇ હતી અને આ બનાવ બાદ ગૃહની ગરિમા ના જળવાતી હોવાના પ્રશ્ને પ્રેક્ષક ગેલેરીને તાળા મારી દેવાયા છે. કોંગ્રેસ દ્વારા વારેવારે માગણી થઇ છે પણ એ સ્વીકારવામાં આવી નથી અને અત્યાર સુધીમાં રાજકોટ મતદાર એકતા મંચે આ મુદ્દે વિરોધ કર્યો છે. આ સિવાય કોઈ જાહેર સંગઠન દ્વારા કોઈ વિરોધ થયો નથી.
રાજકોટ મહાપાલિકામાં ભાજપ સત્તા પર છે અને હમણા નવા જે મેયર આવ્યા એમણે ય  પ્રેક્ષક ગેલેરી ખુલ્લી કરવાની ના પાડી છે. ગૃહની ગરિમાની વાત આગળ ધરવામાં આવે છે પણ પ્રેક્ષકોની વાત જવા દઈએ પણ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થાય છે અને ઝપાઝપી થઇ હોય એવા અનેક કિસ્સા છે અને એમાં ભાજપ કે કોંગ્રેસ બંને બરોબરિયા છે. આ વાત સર્વસ્વીકાર્ય જ હોય. તો એવું બને ત્યારે ગૃહની ગરિમા લજવાતી નથી? તો શું એ સભ્યોને ગૃહમાં પ્રવેશની બંધી કરી દેવામાં આવે છે?
દરેક રાજ્યની વિધાનસભામાં અને દેશના બંને ગૃહોમાં પ્રેક્ષક ગેલેરી છે અને ધારાસભ્ય કે સાંસદ કે પછી એવા કોઈની ભલામણ દ્વારા આમ આદમી આ પ્રેક્ષક ગેલેરીમાં જઈ શકે છે. ક્યાંય પ્રેક્ષક ગેલેરી બંધ થઇ હોય એવું જાણમાં નથી. અરે! રાજ્યની રાજકોટ સિવાયની મહાપાલિકામાં પણ આવો કોઈ નિર્ણય લેવાયો નથી તો માત્ર રાજકોટમાં જ આવો નિર્ણય શા માટે?
અને ગૃહની ગરિમા જળવાય એ માટે સંયુકત પ્રયત્નો થવા જોઈએ. પ્રેક્ષક જે અંદર આવે એની પૂરી ચકાસણી થવી જોઈએ અને એમાં કોઈને બાધ રાખવામાં ના આવે અને ત્યાં માર્કર પણ મૂકી શકાય. સલામતી વ્યવસ્થા હોય પછી કોઈ સામાન્ય સભાની ગરિમાનો ભંગ કઈ રીતે કરી શકે? અને કરે તો એની સામે ફરિયાદ થવી જોઈએ અને યોગ્ય પગલા લઇ દાખલા બેસાડવા જોઈએ જેથી બીજા કોઈ એવી હિંમત ના કરે પણ અત્યારે પ્રેક્ષક ગેલેરી ગરિમાના મુદ્દે બંધ રાખવામાં આવે છે એ તો શાસક પક્ષની નબળાઈ દર્શાવે છે. કોઈ કાંકરીચાળો ના થાય એ જોવાની જવાબદારી સત્તા પક્ષની છે. કોઈ આ મુદ્દે કોર્ટમાં જાય તો સત્તાધીશોનું નાક કપાઈ શકે છે. મુખ્યમંત્રીએ પણ પત્ર લખી પ્રેક્ષક ગેલેરી ખોલી નાખવા સૂચન કર્યું છે પણ મુખ્યમંત્રીનું સૂચન પણ સ્વીકારાયું નથી. પછી આમાં આદમીના મતની તો વાત જ ક્યાં રહી?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer