કરુણાનિધિના નિધન બાદ બે પુત્રો વચ્ચે વારસાની લડાઈ
ચેન્નાઈ તા. 13: દ્રમુકના મોભી એમ. કરુણાનિધિને હજી સપ્તાહ પણ નથી થયું અને બે ભાઈઓ વચ્ચે સત્તાનું ઘર્ષણ શરૂ થઈ ચૂક્યું છે. ચારેક વર્ષ પહેલાં પક્ષમાંથી હકાલપટ્ટી કરાયેલા અને ત્યારથી પાર્ટી પોલિટિક્સથી દૂર રહેલા સ્વ.ના મોટા પુત્ર એમકે અલાગિરીએ આજે પિતા સમાધિસ્થળે ધસી જઈ દાવો કર્યો હતો કે તમામ અસલી કાર્યકરો તેમની જોડે છે.
કરુણાનિધિની તબિયત કથળતાં જાન્યુ. ’17માં તેમના નાના ભાઈ અને કરુણાનિધિના પુત્ર એમકે સ્તાલિનને પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. પોતાને કરુણાનિધિના રાજનીતિક વારસ ગણાવતા અલાગિરીએ સ્તાલિનને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા સામે સવાલ ઉઠાવ્યા છે. આવતી કાલે યોજાનારી પક્ષની કારોબારી સમિતિની તાકીદની મહત્ત્વપૂર્ણ બેઠકમાં જેની તારીખ જાહેર થવા વકી છે તે જનરલ કાઉન્સિલની બેઠકમાં સ્તાલિનને પક્ષના પ્રમુખ તરીકે પદોન્નતિ કરવા નિર્ણય લેવાશે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં સત્તાને લઈ ઘર્ષણ ઓર તીવ્ર બનવાનું મનાઈ રહ્યું છે. (’69માં પક્ષ-સ્થાપક સીએન અન્નાદુરાઈના નિધન બાદ આવી પક્ષ કારોબારીની તાકીદની બેઠક યોજાઈ હતી.)
પક્ષવિરોધી પ્રવૃત્તિઓ આચરવા માટે અને નિંદાત્મક ટિપ્પણીઓ કરવા માટે ’14માં પક્ષમાંથી તગેડી મુકાયેલા અલાગિરીને પક્ષમાં પરત લેવાની માગણી પ્રબળ બની રહી છે.
દ્રમુકમાં સત્તાઘર્ષણ શરૂ
