બેટધરોની સમસ્યા ટેકનિક નહીં માનસિક : કોહલી

બેટધરોની સમસ્યા ટેકનિક નહીં માનસિક : કોહલી
ત્રીજા ટેસ્ટ પહેલા સંપૂર્ણ ફિટ થઇ જવાનો સુકાનીને વિશ્વાસ
લંડન, તા.13: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે તેની ટીમની બેટિંગને લઇને સતત વધી રહેલી સમસ્યા ટેકનિકથી વધુ માનસિક છે. આ સાથે કોહલીએ સાથે બેટધરોને અપીલ કરી હતી કે ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીને બચાવવા માટે બધી ચીજોને સામાન્ય રાખે. દબાણ વધારવાની જરૂર નથી. લોર્ડસ ટેસ્ટમાં ભારતીય ટીમ 107 અને 130 રન જ કરી શકી હતી. આથી ઇંગ્લેન્ડનો એક દાવ અને 1પ9 રને ભવ્ય વિજય નોંધાયો હતો. ભારતીય ટીમ આથી પ મેચની શ્રેણીમાં 0-2થી પાછળ ચાલી રહી છે. શ્રેણીનો ત્રીજો ટેસ્ટ મેચ નોર્ટિંગહામમાં 18મીથી શરૂ થશે. કોહલીએ કહ્યું કે અમે ઘણી ભૂલો કરી તે સુધારવાનો સંકલ્પ કરવો પડશે. ખાસ કરીને બેટિંગમાં.
બીજા ટેસ્ટની હાર બાદ સુકાની કોહલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મને કોઇ ટેકનિકલી ખામી નજરે પડી રહી નથી. બેટધરો તેમની યોજનાને લઇને સ્પષ્ટ છે, તેમને કોઇ દબાણ નથી. જો બોલ મૂવ કરતો હોય તો આપ તેનો સામનો કરી શકો છો. મગજમાં જે ચાલતું હોય તે ચાલવા દેવાનું. મહાન ખેલાડીઓએ કહ્યુ છે કે દરેક વસ્તુ સામાન્ય રાખો. તમારે (ભારતીય બેટધરો) પણ એ જ કરવાનું છે. તમે અહીં આવીને એવું વિચારી ન શકો કે હાલત બહુ કઠિન છે. જો તેનો સામનો કરવા તૈયાર રહેશો તો એ મુશ્કેલ વાત નથી.
કોહલીએ કહ્યુ કે મોસમે પણ અમારો સાથ ન આપ્યો. અમે બેટિંગમાં હતા ત્યારે વાદળ હતા. ઇંગ્લેન્ડ દાવમાં આવ્યું ત્યારે તડકો હતો. ટોસ અને મોસમ અમારા હાથની વાત નથી. તેના પર યોજના બની શકે નહીં. લોર્ડસ ટેસ્ટમાં અમારા બોલરોનું પણ શાનદાર પ્રદર્શન રહ્યુ નહીં. પોતાની પીઠની તકલીફ વિશે સુકાનીએ સ્પષ્ટતા કરી કે ફિટનેસની સમસ્યા ગંભીર નથી. ત્રીજા ટેસ્ટ પહેલા સંપૂર્ણ ફિટ થઇ જઇશ.
કોહલીએ પહેલું સ્થાન ગુમાવ્યું: સ્મિથ રમ્યા વિના ફરી નંબર વન
દુબઇ, તા.13: ભારતીય સુકાની વિરાટ કોહલી આઇસીસીના નવા ટેસ્ટ ક્રમાંકમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી બેઠો છે. લોડર્સ ટેસ્ટની નિષ્ફળતાને લીધે વિરાટ કોહલી આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં બીજા સ્થાને આવી ગયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત ખેલાડી સ્ટીવન સ્મિથ રમ્યા વિના ફરી નંબર વન બની ગયો છે. સ્મિથના 929 પોઇન્ટ અને કોહલીના હવે 919 પોઇન્ટ છે. ઇંગ્લેન્ડનો વિકેટકીપર-બેટસમેન જોની બેયરસ્ટો નવમા ક્રમે પહોંચ્યો છે. ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ ત્રીજા સ્થાને ટકી રહયો છે. નિષ્ફળતા છતાં ચેતેશ્વર પુજારા છઠ્ઠા સ્થાને છે. જ્યારે બોલિંગમાં એન્ડરસન 900 પોઇન્ટ મેળવનારો ઇંગ્લેન્ડનો સાતમો બોલર બન્યો છે અને પહેલા ક્રમ પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer