કોંગ્રેસના ધારાસભ્યે પોલીસને ફોન કરીને જુગાર રમતા સગા ભાઇને પકડાવી દીધો !

અમદાવાદ, તા.13: સામાન્ય રીતે રાજકારણીઓ ગેરકાયદેસર કામ કરતા પોતાના સગાને છાવરતા હોય છે ત્યારે અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાના સગા ભાઇ ફિરોઝ ખેડાવાલાને જુગાર રમતો પકડાવી દીધો હતો. ફિરોઝની સાથે તેના ચાર મિત્રોને પણ પોલીસે પકડી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે સાંજે ફિરોઝ ખેડાવાલા તેના પાંચ મિત્રો સાથે જમાલપુર ખાંડની શેરીના નાકે જાહેરમાં પૈસાનો જુગાર રમી રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી ફિરોઝ મિત્રો સાથે જુગાર રમતો હતો અને ઇમરાને તેને ના પાડી હતી. આમ છતાં તે નહીં માનતા ઇમરાને પોલીસને ફોન કરીને પોતાના સગા ભાઇ સામે ફરિયાદ કરી હતી.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જી.રાઠોડે જણાવ્યા હતું કે, ફિરોઝ ખેડાવાલા અને તેના મિત્રો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળી હતી. જેના આધારે ડી-સ્ટાફના માણસો ત્યાં પહોંચ્યા હતા અને ફિરોઝ અને પાંચ મિત્રોને જુગાર રમતા ઝડપી લીધા હતા. આ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.  પીઆઇ વી.જી.રાઠોડે એમ પણ જણાવ્યું હતું કે, ઇમરાન ખેડાવાલાએ જ પોતાના ભાઇ ફિરોઝને જુગાર રમતો પકડાવ્યો હતો તેમજ ગાયકવાડ હવેલી પોલીસને કહ્યુ ંહતું કે, મારી કે બીજા કોઇની શરમ ભરતા નહીં. ફિરોઝ તેમજ તેના મિત્રો સામે કાયદેસરના કાર્યવાહી કરી તેમની સાથે અન્ય માણસોની જેવો જ વ્યવહાર કરવા જણાવ્યુ ંહતું.
મહત્વનું છે કે, ગાયકવાડ હવેલી પોલીસે પણ ફિરોઝ અને તેના મિત્રો યુસુફભાઇ ફકીરભાઇ, મોહંમદ ઇસ્માઇલભાઇ, ઇરફાન મનસુરી તથા હુસેન મિયા પલટની ધરપકડ કરીને ઘણા કલાકો સુધી લોકઅપમાં જ રાખ્યા હતા. જો કે આ કેસ જામીનપાત્ર હોવાથી બાદમાં તમામ જામીન પર છૂટી ગયા હતા.-
-----------
ધી ઝઘડિયા ગ્રુપ ભંડારના સેલ્સમેન દ્વારા 13 લાખથી વધુની ઉચાપત
વડોદરા, તા.13: ભરૂચના ઝઘડિયા ગ્રુપ કો.ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લી.ના ભંડારના સેલ્સમેન પ્રવિણ પટેલ દ્વારા 13,34,908 રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ સોસાયટીના વર્તમાન ચેરમેન ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી છે. સેલ્સમેન દ્વારા વેચાણ કરી હિસાબી ચોપડાઓ નહીં બનાવી તથા સામાન્ય ખાતાવહી તથા હિસાબમાં છેકછાક કરેલ હોવાથી મંડળીના વર્તમાન કંટ્રોલ કમીટી દ્વારા ભંડારનો સ્ટોક ચકાસતા સેલ્સમેન દ્વારા કરાયેલો ગોટાળો બહાર આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer