ચેઇન સ્નેચરોની ‘ચેન’ ઉડી જાય એવો કાયદો: 10 વર્ષ સુધીની સજા

ચેઇન સ્નેચરોની ‘ચેન’ ઉડી જાય એવો કાયદો: 10 વર્ષ સુધીની સજા
અમદાવાદ, તા.13: ગુજરાતમાં ચેઇન સ્નેચિંગ હવે આમ વાત બની ગઇ છે. સૌથી વધુ ભોગ મહિલાઓ બની રહી છે, જેમાં તેમની જાનનો સૌથી મોટો ખતરો છે. ગુજરાતીઓ સોનુ પહેરીને ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ પેદા થતા ગુજરાત સરકાર એલર્ટ બની છે. મહિલાઓના પવિત્ર મંગલસૂત્ર, ચેઇન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઇ.પી.સી.માં નવી કલમો ઉમેરીને રાજ્યસરકારે કડકમાં કડક સજા કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્યસરકાર વટહુકમ પણ બહાર પાડશે, એમ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
જાડેજાએ જાહેર કર્યુ હતુ ંકે, આ વટહુકમને આધારે ચીલ ઝડપનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા 5(પાંચ) અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની સજા અને રૂા.25,000 દંડ થઇ શકશે. જ્યારે ચેઇન જેવી વસ્તુઓ ચોરી જનાર વ્યક્તિને ઓછામાં ઓછા 7 વર્ષની સજા અને રૂા.25,000નો દંડની જોગવાઇ કરવામાં આવી છે. આમ, ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંકુશમાં રાખવા માટે સરકારે કાયદામાં સુધારો કરીને ચેઇન સ્નેચિંગના ગુના બદલ ફટકારવામાં આવતી સજામાં વધારો કર્યો છે.
ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, હાલ આઇ.પી.સી.ની કલમ હેઠળ આવા ગુના માટે ચોરીની 3 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે, જે અપૂરતી છે જેને ધ્યાને લઇને આ વટહુકમ દ્વારા આઇ.પી.સી.માં નવી કલમ 379(ક) અને 379(ખ)નો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કલમ 379(ક) 4 હેઠળ ચેઇન આંચકી જવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ નાસી જવાના ઇરાદાથી કોઇ વ્યક્તિને ઇજા કરે અથવા ઇજા કરવાનો ભય ઉભો કરે તેને પણ વધુ  3 વર્ષની સખત કેદની સજા સૂચવવામાં આવી છે. આ ઉપરાંત 379(ખ) મુજબ આંચકી લીધેલી મિલકત રાખી લેવા માટે કોઇ વ્યક્તિનું મૃત્યુ નીપજાવવા કે અવરોધ ઉભો કરી મૃત્યુ કે ઇજા પહોંચાડવા બદલ કે તેમ કરવાના પ્રયત્ન કરવા બદલ ઓછામાં ઓછા 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની અને રૂા.25000ના દંડની જોગવાઇ કરાઇ છે. ચેઇન સ્નેચિંગના આરોપીઓને કોર્ટમાંથી જામીન પણ નહીં મળે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer