વિદ્યાર્થીઓ સામે ટ્રાફિક ઝુંબેશ: 294 પકડાયાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવતાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે યોજાયો સેમિનાર

વિદ્યાર્થીઓ સામે ટ્રાફિક ઝુંબેશ: 294 પકડાયાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવતાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે યોજાયો સેમિનાર

રાજકોટ, તા. 9:  ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન લઇને સ્કૂલ-કોલેજે જતાં વિદ્યાર્થીઓ સામે પોલીસે ઝુંબેશ કરીને 294 વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતાં.
ટ્રાફિકની સમસ્યા સહિતની બાબતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સંયુકત કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સૂચનાથી જુદી જુદી સ્કૂલ અને કોલેજ પાસે ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવતાં વિદ્યાર્થીઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ટ્રાફિક શાખાની જુદી જુદી ટીમ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન 294 વિદ્યાર્થી લાયસન્સ વગર વાહન ચલાવતાં પકડાયા હતાં. આ બાળકોને અભ્યાસ ન બગડે તે આશયથી તેની પાસેથી તેના વાલીઓના નામ, સરનામા, મોબાઇલ ફોનના નંબર  મેળવવામાં આવ્યા હતાં. બાદમાં રાતના આઠ વાગ્યે આ વાલીઓને પોલીસ કમિશનર કચેરીએ બોલાવવામાં આવ્યા હતાં. આ વાલીઓને સંયુકત કમિશનર ખત્રી, આરટીઓના અધિકારી ડી.એમ. મોજીત્રા અને જે.વી. શાહ દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓને લાયસન્સ વગર વાહન ચલાવવાથી વીમાની રકમ ન મળે,  બાળકોને ટ્રાફિકના નિયમની જાણ ન હોવાના કારણે અકસ્માત થવાની શકયતા રહે છે. બાળકને ગંભીર ઇજા પણ થઇ શકે છે તેના  સહિતની બાબતે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને કઇ રીતે લાયસન્સ મળી શકે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લાયસન્સ વગર વાહન ચલાવવા ન આપવાનું જણાવીને લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાય તો રૂ. એક હજારનો દંડ અને ચાર મહિનાની સાદી કેદની સજા પણ થઇ શકે છે અને વાહન ડિટેઇન થઇ શકે છે તેમ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer