કેકેવી ચોકમાં ચાર ઓફિસમાં તસ્કરો ખાબકયા ફાયનાન્સની ઓફિસમાંથી હાથફેરો

કેકેવી ચોકમાં ચાર ઓફિસમાં તસ્કરો ખાબકયા  ફાયનાન્સની ઓફિસમાંથી હાથફેરો

રાજકોટ, તા.9 : સતત ટ્રાફિકથી ધમધમતા એવા કાલાવડ રોડ પરના કેકેવી ચોકમાં આવેલા બિલ્ડીંગમાં તસકરો ખાબકયા હતા અને ફાયનાન્સરની ઓફિસમાંથી અર્ધા લાખની મતાનો હાથફેરો કર્યો હતો અને ત્રણ બિલ્ડરની ઓફિસમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, કેકેવી હોલ ચોકમાં આવેલા કેવલમ કોર્નર કોમ્પલેકસમાં આવેલી ચાર ઓફિસોમાં તસ્કરો ખાબકયા હતા અને શ્રી શ્રૈય ઈક્વિપમેન્ટ ફાયનાન્સ નામની ઓફિસમાંથી તસ્કરો રૂ.પ7 હજારની રોકડ મતાનો હાથફેરો કરી ગયા હતા તેમજ કબાટમાંથી સામાન કાઢી વેરવિખેર કરી નાખ્યું હતું. તથા બાજુમાં આવેલી ત્રણ બીલ્ડરોની ઓફિસમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને  હાથ ધરેલી તપાસમાં આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા મોડીરાત્રીના તસ્કરો ખાબકયા હતા અને ચોકીદાર ઉંઘી ગયાનું ખુલ્યું હતું. ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ઓફિસો ગિરીશભાઈ નારણભાઈ ગોરીયા, હિતેષ દામોદારભાઈ ગામી અને રમણીકભાઈ હરીભાઈ ગામીની હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે ફાયનાન્સ પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા જૂનાગઢના મુકુંદભાઈ જયંતીભાઈ બુટાણીની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer