આશા વર્કર બહેનોએ ચક્કાજામ કરતાં પોલીસે ટીંગાટોળી કરી વાહનમાં બેસાડયા

આશા વર્કર બહેનોએ ચક્કાજામ કરતાં પોલીસે ટીંગાટોળી કરી વાહનમાં બેસાડયા

વર્ષો જૂના પગાર વધારા સહિતની માગણી સાથે જેલભરો આંદોલન
રાજકોટ, તા. 9 : શહેરના હોસ્પિટલ ચોક ખાતે ગુજરાત હેલ્થ આશા વર્કર યુનિયનના નેજા હેઠળ સંખ્યાબંધ આશા વર્કર બહેનોએ લાંબા સમયની પડતર માગણીઓ સાથે ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રાફીકથી ધમધમતા સિવિલ હોસ્પિટલ ચોકમાં વાહન વ્યવહાર ખોરવાતાં પોલીસ દોડી ગઈ હતી અને આશા વર્કર બહેનોની અટકાયત કરી, ટીંગાટોળી કરી વાહનમાં બેસાડયા હતા.
આંગણવાડીની આશા વર્કર બહેનોએ પગાર વધારા સહિતની જૂની માગણીઓનો સરકાર સુધી પડઘો પાડવા આજે સિવિલ હોસ્પિટલ ચોકમાં એકાએક ચક્કાજામ કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથેસાથે જેલભરો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસના પી.આઈ. એન.કે.જાડેજા, પીએસઆઈ સાંખલા, એએસઆઈ દયાબેન કાકડીયા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ચોક ખાતે દોડી ગયો હતો અને રસ્તા ચક્કાજામ કરનારી આશા વર્કર બહેનોને હટાવવા કોશિશ કરી હતી પણ ચક્કાજામ કરવા બેસી ગયેલી બહેનો દૂર ન હટતાં પોલીસે મહિલાઓની ટીંગાટોળી કરીને વાહનમાં બેસાડી હતી. પોલીસે 2પ6 મહિલાઓને અટકાયત કરી હતી. બાદમાં ટોળું વિખેરાઈ જતાં ટ્રાફીક પૂર્વવત થયો હતો.
સેન્ટર ઓફ ઈન્ડીયન ટ્રેડ યુનિયન-ગુજરાતના રાજકોટ સ્થિત ઉપપ્રમુખ એમ.રામચંદ્રએ જણાવ્યું હતું કે, દેશના શ્રમજીવીઓની બરબાદીઓને રોકવા, વેતન વધારવા અને કાયમી કરવાની માગ સાથે આજનું જેલભરો આંદોલન છેડાયું હતું. હજી આગામી તા. 14મીએ સાંજે 7:30 થી રાતના 12:30 જનજાગરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer