સૌરાષ્ટ્ર યુનિ.માં બે કરોડનું બાંધકામ કૌભાંડ

સૌરાષ્ટ્ર યુનિ.માં બે કરોડનું બાંધકામ કૌભાંડ

કાર્યકારી કુલપતિએ સ્વિમિંગ પુલના બાંધકામમાં વધુ પડતા ખર્ચ મુદ્દે તપાસ શરૂ કરી : જરૂર પડયે પોલીસ ફરિયાદ થશે
રાજકોટ, તા.9: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ વિભાગનું રૂા.બે- અઢી કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. રૂા.7 કરોડથી વધારેના ખર્ચે બનતા સ્વીમીંગ પુલનું બીલ રૂા.9 કરોડથી વધારાનું આવતા ચોંકી ઉઠેલા કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવેએ આ ઓવર એસ્ટીમેટનું પેમેન્ટ અટકાવી તે અંગે તપાસ હાથ ધરી છે.
આ મુદ્દે ડો.નિલાંબરીબેનનો સંપર્ક કરતા એમણે કહ્યું હતું કે, સ્વીમીંગ પુલના પ્રોજેકટમાં જે 7 કરોડથી વધુનો ખર્ચ બતાવાયો હતો તે કરતા ઘણો વધુ થયો હતો. આ વધારાની રકમ નાની સુની નહીં પણ રૂા.બે કરોડથી વધુ થતી હતી. કોઇપણ વધારાના કામ માટે યુનિ.ના બાંધકામ વિભાગે મંજુરી લઇને જ કામ આગળ ધપાવવાનું હોય છે. પરંતુ અહીં એવું થયું નથી એવું જણાય છે.
તેમણે કહ્યું કે મારી પાસે ઓવર એસ્ટીમેટ રજુ થતાં મેં એ અટકાવ્યું હતું. એસ્ટેટ કમિટીની બેઠક પણ મોકૂફ રાખી હતી.
તેમણે કહ્યું કે, બાંધકામ વિભાગને કયા વિભાગમાં વધારાનું કામ થયું છે? કેટલું થયું છે ? તેની વિગતો મંગાવી છે. એ આવ્યા પછી ખબર પડશે. પોલીસ ફરિયાદ થશે? એવું પુછતા ડો.નિલાંબરી દવેએ કહ્યું કે, અત્યારે તો શંકા પડી એટલે આ પગલાં લીધા છે. હકિકત શું છે, તેની વિગતો મળ્યા પછી એ અંગે નિર્ણય લઇ શકાય. જો કે તેમણે કહ્યું કે કોઇને છાવરવામાં નહીં આવે.
દરમિયાન, કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા ડો.નિદત બારોટ અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો.હરદેવસિંહ જાડેજા કે જે બન્ને યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને એસ્ટેટ કમિટીમાં પણ રહી ચૂકયા છે, તેમણે આ કાર્ય માટે ડો.નિલાંબરીબેનને અભિનંદન આપ્યા છે.
તેઓએ જણાવ્યું છે કે, યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત આપે આ કૌભાંડ સંદર્ભે એસ્ટેટની બેઠક રદ કરી, નવેસરથી બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. ત્યારે આ કૌભાંડ કરવામાં જે કોઇ જવાબદાર હોય તેની સામે મગફળીકાંડમાં જેમ પોલીસ ફરીયાદ થઇ છે તે જ રીતે આ કૌભાંડમાં પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. આ કૌભાંડમાં સંકળાયેલા હોય તેમના નામો જાહેર કરી તેમની સામે પોલીસ ફરીયાદ સુધીના પગલાં યુનિ. દ્વારા લેવામાં આવે એવી અમારી માગણી છે એમ તેઓએ જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer