જેતપુરના વેપારીએ મજૂરો પાસે મગફળીમાં કરાવી હતી ભેળસેળ

જેતપુરના વેપારીએ મજૂરો પાસે મગફળીમાં કરાવી હતી ભેળસેળ
પોલીસે લીધેલા નિવેદનમાં મજૂરોની કબૂલાત
 
 રાકેશ પટેલ
જેતપુર, તા. 9 : જેતપુરના પેઢલા નજીક ગોડાઉનમાંથી મળી આવેલી ભેળસેળવાળી મગફળીના કૌભાંડમાં કેશોદના ઓઈલ મીલર અને જેતપુરના વેપારીની સંડોવણી ખુલતાં બન્નેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે તેઓને રિમાન્ડની માગણી સાથે રજૂ કરાતાં બન્નેને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
બીજી તરફ જેતપુરના વેપારીએ જ મગફળીમાં ભેળસેળ કરાવી હોવાનું મજૂરોએ કબૂલતાં ઓઈલ મીલર અને વેપારીઓ બન્ને ભીંસમાં મુકાયા છે. મજૂરોએ પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે, જેતપુરમાં અલંકાર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતો વિશાલ સખરેલીયા નામનો વેપારી કેશોદના ઓઈલ મીલર રાજેશ વડાલીયાને સારી મગફળી આપી દેતો હતો અને તેની સામે ઓઈલ મીલર રાજેશ ખરાબ મગફળી મોકલતો અને તેમાં અમે ધૂળ અને કાંકરા ભેળવીને બારદાનમાં ભરી દેતાં. આ પ્રકારની કબૂલાતથી પોલીસ પણ ચેંકી ઉઠી છે. પોલીસે ટ્રક ચાલકોની પણ પૂછતાછ કરી હતી અને દસ્તાવેજો પણ ચકાસ્યા હતા તેમાં પણ વિશાલ અને રાજેશની સંડોવણી ખુલી છે.
પોલીસે અલંકાર ટ્રેડર્સમાં તપાસ કરતાં ત્યાં બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આગળની તપાસ વધારવા બન્નેના રિમાન્ડ માગ્યા હતા જે 9 દિવસના મંજૂર થયા છે. બીજી તરફ ગુજકોટના સુધીર મલ્હોત્રાની પણ પૂછતાછ કરવામાં આવી હતી પણ તે મગન ઝાલાવડિયાને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer