મગફળી કૌભાંડ: ગુજકોટ-સહકારી મંડળીઓનું ‘સંયુક્ત સાહસ’

મગફળી કૌભાંડ: ગુજકોટ-સહકારી મંડળીઓનું ‘સંયુક્ત સાહસ’
ગુજકોટના બે, નાફેડના એક, વેરહાઉસના અધિકારીઓ અને સાત કરોડના નાણાકીય વ્યવહાર અંગે ઝાલાવડિયાના ભાઇની પૂછપરછ
 
રાજકોટ, તા. 9: મગફળી કૌભાંડ ગુજકોટ અને સહકારી મંડળીઓનું સંયુક્ત સાહસ હોવાનું સપાટી પર આવી રહ્યું છે. ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનલ મેનેજર મગન ઝાલાવડિયાએ વચેટિયાની ભૂમિકા ભજવીને મગફળી કૌભાંડને અંજામ આપ્યાનું જણાવાય છે. હાલમાં ગુજકોટના બે, નાફેડના એક, વેરહાઉસના બે અધિકારીઓ અને કર્મચારીઓની આકરી પૂછપરછ ચાલી રહી છે તેમજ રૂ. સાત કરોડના નાણાકીય વ્યવહાર અંગે મગન ઝાલાવડિયાના ભાઇ ભૂપતની પૂછપરછ કરવામાં આવી છે. આ નાણાકીય બાબતે ઇન્કમટેક્સને પણ જાણ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
મગફળી કૌભાંડની તપાસ દરમિયાન એવી વિગત સપાટી પર આવી રહી છે કે, વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા ખેડૂતોને રાજી રાખવા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કરાયું હતું. આ આયોજનનો લાભ લેવા અને મગફળીમાંથી મલાઇ તારવવા માટે ગુજકોટના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ કારસો રચ્યો હતો અને સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવડિયાને મગફળીની ખરીદી, ગોડાઉન ભાડે રાખવા સહિતની બાબતો હવાલો આપીને છૂટોદોર આપ્યો હતો. તેના કારણે મગફળીના ‘મ’ની ખબર ન હોય તેવી કેટલીક વ્યક્તિઓ દ્વારા મગફળીની આડેધડ ખરીદી કરી લેવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદ કરાયેલી અને ગોંડલના રામરાજ્ય નામના ગોડાઉનમાં રખાયેલી મગફળીમાં ધૂળ અને ઢેફાં હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કલેક્ટર દ્વારા તપાસના આદેશ થતા જ એ ગોડાઉનમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી હતી. આ આગનું આજ દિવસ સુધી રહસ્ય ઉકેલાયું નથી. મગફળીની ખરીદીની ગેરરીતિનો રેલો પગ નીચે ન આવે તે માટે ગુજકોટના અધિકારીઓ અને તેના મળતિયાઓએ રાજકીય દબાણ કરાવીને તેના પર પણ પડદો પાડી દેવાનો પ્રયાસ કરાયો હતો. આ હકિકત જ કહી દે છે કે, મગફળીના કૌભાંડમાં નીચેથી ઉપરી સુધી લાઇન દોરી છે. ગોડાઉનોની આગની તપાસમાં સીઆઇડી ક્રાઇમ બહુ કાંઇ ઉકાળી શકી ન હોય તેવો ઘાટ ઘડાયો હતો. દરમિયાન જેતપુર પાસેના પેઢલાના ગોદામમાં રખાયેલા મગફળીના જથ્થામાં મોટાપાયે ભેળસેળ હોવાનું અને મગફળીની સાથે ધૂળ અને કાંકરા ભેળવી દેવાયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
આ ભેળસેળ કૌભાંડ અંગે ના છૂટકે ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવડિયાને ફરિયાદ નોંધાવવી પડી હતી. ફરિયાદ થતાં જ હરકતમાં આવેલી પોલીસે તાકીદે તપાસ કરીને માળિયાહાટીનાની મોટીધાણેજ સહકારી મંડળીના સભ્યો અને હોદ્દેદારોને ઝડપી લીધા હતા. પોલીસની આગવી ઢબની પૂછપરછમાં સભ્યો અને હોદ્દેદારોએ વટાણા વેરી નાખ્યા હતા અને મગફળી કૌભાંડમાં ફરિયાદી મગન ઝાલાવડિયાની જ ભૂમિકા હોવાનું જણાવતાં ફરિયાદી મગન ઝાલાવડિયાની ધરપકડ કરવામાં આવી હતી. ઝાલાવડિયાને તેના ઉચ્ચ અધિકારીઓ સાથે સારો ઘરબો હોવાનું બહાર આવ્યું છે. મગન ઝાલાવડિયાની ધરપકડ કરાયા બાદ તેના રૂ. સાત કરોડના નાણાકીય વ્યવહાર ખૂલ્યા હતા. આ ઉપરાંત તેના બેંક લોકરો અંગે તપાસ ચાલી રહી છે. ગુજકોટના મેનેજર દ્વારા રૂ.સાત કરોડના આર્થિક વ્યવહાર થયાની વાત જ ઘણું કહી જાય છે. ઝાલાવડિયાએ તેના બેંક સહિતના આર્થિક વ્યવહાર તેનો ભાઇ ભૂપત સંભાળતો હોવાનું જણાવતા પોલીસે ભુપતની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત મગફળી કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ગુજકોટના એમડી એન.એમ. શર્મા, દેવીપ્રસાદ મિશ્રાને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેમજ નાફેડના સુધીર મલ્હોત્રા, વેર હાઉસના અધિકારી, કર્મચારી મહેન્દ્ર દવે, મનોજ જોષી વગેરેને પણ બોલાવ્યા હતા. આ અધિકારીઓ અને કર્મચારીઓને આકરી પૂછપરછ ચાલી રહી છે. દરમિયાન ગઇકાલે પકડાયેલા કેશોદના મેસવાણા ગામની ક્રાંતિ ઓઇલ મીલના સંચાલક રાજુ ઉર્ફે રાજેશ ગોવિંદભાઇ વડારિયા અને જેતપુર માર્કેટ યાર્ડમાં અલંકાર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વિશાલ શાંતિલાલ સખરેલિયાને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બન્નેની ધરપકડની સાથે ધરપકડનો આંક 29 ઉપર પહોંચ્યો છે. ગુજકોટ, નાફેડ અને વેરહાઉસના અધિકારીઓની પૂછપરછમાં શું બહાર આવે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. હાલમાં તપાસ ચાલુ હોવાનું અને નિવેદનો નોંધવાનું ચાલુ હોવાનું જણાવાય છે.
 
કુતિયાણા પંથકમાં પણ મગફળી કૌભાંડ ?
ઉપલેટા, પોરબંદર, તા. 9 : પોરબંદરના કુતિયાણા પંથકમાં પણ કેટલીક મંડળીઓમાં મગફળી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કેંગ્રેસે કર્યો છે અને રોધડા ગામના એક ખેડૂતે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં આ અંગે જાણ કરી છે. પોરબંદર જિલ્લા કેંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા અને તાલુકા કેંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોના નેતૃત્વમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં કેંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, કુતિયાણા તાલુકાની કોટડા સેવા સહકારી મંડળી અને રોધડા સેવા સહકારી મંડળીને ખરીદ કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા અને આ બન્ને સંસ્થાઓએ ખેડૂતો પાસેથી મોટી રકમ લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. કુતિયાણા પંથકમાં મગફળીમાં માટીની મીલાવટ થઈ હોવાની ઓડિયો અને વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. આ અંગે તટસ્થ તપાસની માગણી કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer