હરિવંશ બન્યા રાજ્યસભાના ઉપસભાપતિ

હરિવંશ બન્યા રાજ્યસભાના ઉપસભાપતિ
યુપીએના હરિપ્રસાદને  105 જ્યારે હરિવંશને  125 મત મળ્યા
મોદીએ કહ્યું સદનનો મંત્ર બની જશે ‘હરિકૃપા’
 
નવી દિલ્હી, તા. 9 : રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે મતદાન થયું હતું. જેમાં એનડીએના ઉમેદવાર હરિવંશસિંહને ચૂંટણીમાં મહત્વની જીત મળી હતી. હરિવંશ સિંહ જેડીયૂમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે વિપક્ષ તરફથી ઉપસભાપતિ પદે ઉભા રહેલા બીકે હરિપ્રસાદને પછાડયા હતા. હરિવંશના પક્ષમાં કુલ 125 મત પડયા હતા. જ્યારે બીકે હરિપ્રસાદના પક્ષમાં કુલ 105 મત પડયા હતા.  જેવી હરિવંશની જીતનું વેંકૈયા નાયડૂએ એલાન કર્યું. તેવા વડાપ્રધાન મોદી અભિનંદન પાઠવવા હરિવંશ સિંહની બેઠકે પહોંચ્યા હતા અને મોદીએ હરિવંશના ભરપૂર વખાણ કર્યા હતા. મોદીએ હતું કે, હવે સદનનો મંત્ર બની જશે હરિકૃપા અને બધું હરિભરોસે છે.
રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે હકીકતમાં એનડીએની શક્તિ બહુમતથી ઓછી હતી. પરંતુ એનડીએના દળોએ સતત પોતાના ઉમેદવારોને સમર્થન માટે વિપક્ષી દળો સાથે વાતચીત જારી રાખી હતી. આ સક્રિયતાનો લાભ ઉપસભાપતિ પદની ચૂંટણીમાં દેખાયો હતો. રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં મતદાન પણ બે વખત કરવું પડયું હતું. જેમાં પહેલી વખત હરિવંશને 115 અને બીજી વખતમાં 125 મત મળ્યા હતા. પહેલી વખતના મતદાનમાં અમુક મત યોગ્ય રીતે ન થયા હોવાની બીજી વખત મતદાન કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ઓરિસ્સાના બીજેડી, તામિલનાડૂના એઆઈએડીએમકે અને તેલંગણના ટીઆરએસએ બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની અપીલના કારણે હરિવંશને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશ સિંહની જીત બાદ કહ્યું હતું કે, આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠનો મહત્વનો દિવસ છે. હરિવંશ કલમની પ્રતિભાના ધની છે અને આઝાદી આંદોલનમાં બલિયાની ભૂમિ ઉપર તેમનું યોગદાન મહત્વનું છે. પીએમએ નવા ઉપસભાપતિના પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વના કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને  સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, સદનના પોતાના પડકારો છે. જ્યાં ખેલાડીઓ કરતા અમ્પાયર વધારે પરેશાન રહે છે. નિયમોમાં રહેવા માટે સાંસદોને મજબુર કરવાનું કામ પડકારરૂપ છે. જ્યારે વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, હરિવંશજી પહેલા એનડીએના ઉમેદવાર હતા. પરંતુ ચૂંટણી જીતીને નવા ઉપસભાપતિ બનતા હવે તેમના ઉપર વધુ જવાબદારી આવી છે અને તેઓ પોતાનું કામ યોગ્ય રીતે કરે તેવી શુભકામના પણ આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer