પેન્શન લેતા થાનના પૂર્વ શિક્ષક પણ માગતા’તા ભિક્ષા!

પેન્શન લેતા થાનના પૂર્વ શિક્ષક પણ માગતા’તા ભિક્ષા!
રાજકોટમાં લાંબા સમય બાદ 68 ભિક્ષુકો રાઉન્ડઅપ
રાજકોટ, તા. 9: ‘અમે ભિક્ષુક ખરા, પણ એટલું તો માન સચવાણું છે, હજુ આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે’. ખુદ્દારી જેમનામાં હોય એવા કેટલાયે લોકો કઠિન સંજોગોમાં પણ પરિસ્થિતિ સામે બાથ ભીડીને સ્વમાનભેર જીવતા હોય છે પરંતુ સ્થિતિવશ નહીં પરંતુ વૃત્તિને લીધે ઘણા લોકો ભિક્ષા માંગતા હોય છે. રાજકોટમાં આજે યોજાયેલી ડ્રાઈવમાં થાનના પૂર્વ શિક્ષક એવા 10 હજારના પેન્શનર પણ ભિક્ષુકોની હરોળમાં બેઠેલા જોઈને ખુદ તંત્ર પણ ચોંકી ગયું હતું. તંત્રને રેલવે સ્ટેશન અને આસપાસથી મોટાભાગના ભિક્ષુકો મળી આવ્યા હતા. રેલવેના પટાંગણમાં તલાશી દરમિયાન મેલાંઘેલાં કપડાં પહેરીને એક વૃદ્ધ દયનીય હાલતમાં બેઠા હતા. તેમને ભિક્ષુક તરીકે રાઉન્ડ અપ કરવાની તજવીજ કરતા આ વૃદ્ધે પોતે થાનમાં શિક્ષક હોવાના અને મહિને 10 હજાર રૂપિયા પેન્શન લેતા હોવાની વાત કરી હતી. સાથે રહેલી ત્રણ ગંદી થેલીમાંથી આ દર્શાવતા આધાર પુરાવા પણ કાઢી આપ્યા હતા. એક થેલીમાં વાસી રોટલી અને ચટણી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને ઘર નથી. ટ્રેનમાં જ આંટાફેરા કરતા હોય છે. એક ભાઈ અમદાવાદના માંડણ ગામે વૃદ્ધાશ્રમમાં રહે છે. આ વિગતો જાણી તેમને છોડી દેવાયા હતા.
  ડ્રાઈવ આગળ વધારાતા શહેરના રેસકોર્સ મેદાન, હોસ્પિટલ ચોક, જામનગર રોડ, જ્યુબિલી ગાર્ડન, ત્રિકોણ બાગ, બાલાજી મંદિર, શાત્રી મેદાન, બસ સ્ટેન્ડ, જંક્શન આસપાસથી આજે ભિક્ષાવૃત્તિ કરતા 31 પુરુષો, રપ મહિલા અને 1ર બાળકો મળી 68 ભિક્ષુકોને રાઉન્ડઅપ કરાયા હતા. જેમાંથી મોટાભાગના પુરુષ ભિક્ષુકો દારૂ પીધેલા હોવાનું સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer