જામનગરમાં ત્રણ માળની બ્રાસપાર્ટસ ફેકટરી ભીષણ આગમાં ભસ્મીભૂત

જામનગરમાં ત્રણ માળની બ્રાસપાર્ટસ ફેકટરી ભીષણ આગમાં ભસ્મીભૂત
કરોડોના નુકસાનનો અંદાજ
આગ 11 કલાકે કાબૂમાં આવી: 30 ફાયર ફાયટરો દ્વારા 110 ટેન્કર પાણીનો મારો ચલાવાયો
જામનગર, તા.9: કનસુમરા પાટિયા પાસે ત્રણ માળના કારખાનામાં ગઈરાત્રે ભીષણ આગ લાગી હતી. મ્યુનિ.ફાયર બ્રિગેડ, રિલાયન્સ, એસ્સાર સહિતની ખાનગી કંપનીઓના 30 ફાયર ફાયટરો દ્વારા 11 કલાક સુધી 110 ટેન્કર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. આગના કારણે આખુ કારખાનું સંપૂર્ણ નાશ પામ્યું હતું. મેટલ-કેમિકલનો જથ્થો સળગી ગયો હતો. કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે.
કનસુમરાના પાટિયા પાસે આવેલા પરફેકટ મેટલ ક્રાફટ પ્રાઈવેટ લિમિટેડ નામના ત્રણ માળના કારખાનામાં ગઈરાત્રે 9-30 વાગાના સુમારે કોઈ કારણસર આગ લાગી હતી.
આગ બુઝાવવા માટે રિલાયન્સ, એસ્સાર, થર્મલ પાવર સ્ટેશન, ડી.સી.સી., ભારત ઓમાન વગેરે કંપનીઓના 24 ફાયર ફાયટરો બોલાવવામાં આવ્યાં હતાં. 30 ફાયર ફાયટરો દ્વારા સતત 110 ટેન્કર પાણીનો મારો ચલાવાયા બાદ  11 કલાકે આગ કાબૂમાં આવી હતી.
બ્રાસપાર્ટસનો તૈયાર માલ, મેટલ કેમિકલનો મોટો જથ્થો, મશીનરી, ઓફીસ સહિત ત્રણ માળનું બિલ્ડીંગ સળગી ગયું હતું. કારખાનાના માલિક અશોકભાઈ શાહે (મહાજન) અંદાજે રૂા.45 કરોડનું નુકસાન થયું હોવાનું ફાયર બ્રિગેડ સમક્ષ જાહેર કર્યુ છે. જો કે આગનું કારણ અને નુકસાનીનો અંદાજ તપાસ હેઠળ હોવાનું ફાયર બ્રિગેડના સુપ્રિ. કે.કે. બિશ્નોઈએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer