રાજ્યસભામાં ભાજપ વિજયી: વિપક્ષમાં ભંગાણ

રાજ્યસભામાં ભાજપ વિજયી: વિપક્ષમાં ભંગાણ
બહુમત ન હોવા છતાં ભાજપ-એનડીએ પોતાનાં ઉમેદવારને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી જીતાડવામાં સફળ
 
વિપક્ષોનો સંપર્ક નહીં સાધવાનું કોંગ્રેસને ભારે પડયું: મહાગઠબંધનમાં જોડાવા ‘આપ’નો ઈન્કાર

નવીદિલ્હી,તા.9: લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે બાથ ભીડવા માટે વિપક્ષ મહાગઠબંધન રચવાનાં પ્રયાસમાં છે ત્યારે રાજ્યસભાનાં ઉપસભાપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતામાં ભંગાણ સપાટી ઉપર આવી ગયું છે. શાસક એનડીએ મોરચા તરફથી જેડીયુનાં ઉમેદવાર હરિવંશે કોંગ્રેસનાં ઉમેદવાર હરિપ્રસાદને કારમો પરાજપ આપવામાં સફળતા મેળવી છે. એનડીએ પાસે રાજ્યસભામાં બહુમત ન હોવા છતાં તેનાં ઉમેદવારનાં વિજયથી વિપક્ષનાં એકતાનાં દાવાઓ સામે પણ ગંભીર સવાલ સવાલો ખડા થઈ ગયા છે. બીજીબાજુ મોદી સરકારે સંસદનાં ઉપલા ગૃહમાં સંખ્યાબળ ન હોવા છતાં પોતાની શક્તિ સાબિત કરી દીધી છે. આ પરાજય પછી પણ વિપક્ષી દળો આને એકતા ઉપર આચકા સમાન માનવા તૈયાર નથી. પરંતુ સંસદની આલમમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે જે પ્રકારે બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે બીજેડી અને ટીઆરએસ સાથે સંપર્ક સાધ્યો તેવી રીતે રાહુલ ગાંધીએ પોતાનાં ઉમેદવાર માટે આમઆદમી પાર્ટી જેવા પક્ષોનો સંપર્ક કર્યો ન હતો એ ભારે પડી ગયું.  ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ વિપક્ષના મહાગઠબંધનમાં જોડાવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત કોંગ્રેસે પોતાના જ પક્ષનાં ઉમેદવારને મેદાને ઉતારી દીધા એ પણ ભૂલ એવું પણ ચર્ચામાં છે. કારણ કે કેટલાંક પક્ષો ભાજપ કે કોંગ્રેસ બેમાંથી એકેય સાથે દેખાવા માગતા નથી. કોંગ્રેસનાં ઉમેદવારને આવા કારણોસર પણ મત તૂટયા હોવાનું કહેવાય છે. વિપક્ષીદળોમાં ચર્ચા છે કે સરકાર સામે આ લડાઈ યુપીએ વિરુદ્ધ ભાજપની બનવાને બદલે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની બની જતાં કોંગ્રેસને આમાં ઝટકો લાગ્યો છે. આ ઉપરાંત એનડીએ મોરચાનાં નારાજ પક્ષોનો ફાયદો પણ ઉઠાવવામાં રાહુલ ગાંધી વિફળ રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer