પીએમની માનસિકતા દલિતવિરોધી: રાહુલ

પીએમની માનસિકતા દલિતવિરોધી: રાહુલ
જંતરમંતરે ચાલતા વિરોધ પ્રદર્શનમાં સરકાર પર પ્રહાર
નવી દિલ્હી, તા.9: એસસી/એસટી ખરડાને લઈ જંતરમંતર ખાતે ચાલી રહેલા વિરોધપ્રદર્શનને સમર્થન આપવા પહોંચી ગયેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલિતવિરોધી માનસિકતા ધરાવતા હોવાનું અને આ સમુદાયને કચડી નાખવા માગતા હોવાનું આજે જણાવ્યું હતું અને ભાજપ પ્રમુખ અમિત શાહે તરત વળતો ફટકો મારતા જણાવ્યું હતું કે દલિત સમુદાય પ્રતિ કોંગ્રેસ આશ્રયદાતા અને મુરબ્બીપણાનો વર્તાવ દાખવતો આવ્યો છે. રાહુલજી તમને જ્યારે આંખ મારવામાંથી અને સંસદમાં હંગામા કરવામાંથી ફુરસદ મળે ત્યારે તથ્ય તપાસી લેજો, મોદી સરકારે સુધારેલા ખરડા વાટે એસસી/એસટી એક્ટ મજબૂત કર્યો છે, તો પછી તમે વિરોધ પ્રદર્શન શા માટે કરી રહ્યા છો?      જંતરમંતર ખાતેના સંબોધનમાં રાહુલે વધુમાં જણાવ્યું હતું કે અત્યાચારવિરોધી ધારો કોંગ્રેસ લાવ્યો હતો અને સૌ સાથે મળી પક્ષ તેને રક્ષશે. અમે એવું ભારત ઈચ્છીએ છીએ જેમાં દરેકને સ્થાન હોય, તે દલિત હોય ગરીબ, આદિવાસી કે લઘુમતીઓ. સૌએ પ્રગતિ કરવાની હોય, એવા ભારત માટે અમે લડીશું. દલિતો પરના અત્યાચાર વિરુદ્ધ મને જ્યાં પણ બોલાવાશે ત્યાં પહોંચી જઈશ. રાહુલ સાથે મંચ પર સીપીએમના સીતારામ યેચુરી ય હતા.
બીજી તરફ અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે રાહુલના પિતા અને સદ્ગત પીએમ રાજીવ ગાંધી અન્ય પછાત વર્ગને ક્વોટા આપવાની હિમાયત કરતા મંડલ પંચના રીપોર્ટનો જોરશોરથી વિરોધ કરતા હતા પણ રાહુલને તેની જાણ હોવાની અપેક્ષા ક્યાંથી રાખવી કારણ કે તેઓ રીસર્ચ કરે તેવી અપેક્ષા નથી. કોંગ્રેસે આંબેડકર ઉપરાંત જગજીવનરામ, સીતારામ કેસરી વ. અન્ય દલિત આગેવાનો સાથે ગેરવ્યવહાર કર્યો હતો અને વર્ષો સુધી દલિતોનાં અરમાનોનું અપમાન કર્યું હતું એવો દાવો શાહે કર્યો હતે.
-----------
અખબારી સ્વાતંત્ર્ય ઉપરના જોખમી  માહોલને વખોડતું એડિટર્સ ગિલ્ડ
નવી દિલ્હી, તા. 9: દેશની અખબારી આલમ માટે વધુ ને વધુ પડકારજનક માહોલ સર્જાતું રહ્યું છે તેને વખોડતું નિવેદન એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ગઈકાલે જારી કર્યું હતું. એબીપી ન્યુઝ નેટવર્કના બે પત્રકારો તેમની સંસ્થા છોડી ચૂક્યાના બે દિવસ બાદ ગિલ્ડે નિવેદન જારી કર્યું હતું.
શનિવારે જાણીતા પત્રકાર પુણ્યપ્રસુન બાજપેયીએ જણાવ્યું હતું કે સરકારી નીતિઓની આલોચના કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરવાનું ટાળવા મને મારા પૂર્વ માલિક એબીપી ન્યુઝ તરફથી સૂચના આપવામાં આવી હતી. એબીપી ન્યુઝના મેનેજિંગ એડિટર મિલિન્દ ખાંડેકરે બાજપેયી પહેલા રાજીનામું આપી દીધું હતું. સરકારી હસ્તક્ષેપના બાજપેયીના આક્ષેપો અંગે પ્રતિસાદ આપવા ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સે મંગળવારે સરકારને વિનંતી કરી હતી.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ‘મુક્ત અને સ્વતંત્ર પત્રકારિત્વ ચરિતાર્થ કરવાના અધિકારને કેટલાક પરિબળોનું મિશ્રણ જે રીતે હાનિ કરી રહ્યું છે તેને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા વખોડે છે. છેલ્લા થોડા દિવસથી ઓછામાં ઓછી બે વીજાણુ મીડિયાની ચેનલોના વરિષ્ઠ પત્રકારો, તેઓની કન્ટેન્ટ (સમાચાર સામગ્રી)ને,  સરકારની ઓછી આલોચનાકારી કરવામાં આવે તેવો  દોરીસંચાર કરવાનો કે તેને મોળી યા ફિક્કી પાડી દેવા માલિકો તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તેથી તેઓ પાસે રાજીનામાં આપી દીધાં સિવાય વિકલ્પ જ ન હતો.’

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer