સુપ્રીમ કોર્ટે એક રાજ્ય એક મતની લોઢા કમિટીની ભલામણ રદ કરી

સુપ્રીમ કોર્ટે એક રાજ્ય એક મતની લોઢા કમિટીની ભલામણ રદ કરી
સૌરાષ્ટ્ર સહિતના બીજા કેટલાક ક્રિકેટ એસો.ને મોટી રાહત: લોઢા કમિટીની ભલામણો ફેરફાર સાથે બીસીસીઆઇમાં લાગુ કરવાની સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી
નવી દિલ્હી, તા.9: સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સહિતના બીજા રાજ્ય ક્રિકેટ સંઘોને મોટી રાહત આપતા એક રાજ્ય એક મતનો નિયમ રદ કરી દીધો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિની ભલામણો બીસીસીઆઇના સંવિધાનમાં લાગુ કરવા કેટલાક ફેરફાર સાથે મંજૂરી આપી દીધી છે. એક રાજ્ય એક મતનો નિયમ રદ થવાથી સૌરાષ્ટ્ર, વડોદરા, મુંબઈ, વિદર્ભ, સર્વિસીસ વગેરે ક્રિકેટ એસો.ને મોટી રાહત મળી છે અને તેમને ફરી પૂર્ણ સદસ્યનો દરજ્જો મળી ગયો છે. લોઢા કમિટીની ભલામણ બાદ આ એસોસેયેશનોની માન્યતા ખતરામાં પડી ગઇ હતી.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના આગેવાની હેઠળની ખંડપીઠે દેશની સૌથી અમીર ખેલ સંસ્થા બીસીસીઆઇના બંધારણમાં લોઢા સમિતિની ભલામણો લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે સુપ્રીમે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમાં મુખ્ય એક રાજ્ય એક મતની ભલામણને  રદ કરવી છે. ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને ચાર સપ્તાહની અંદર નવા બંધારણની નકલ રજિસ્ટર કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જ્યારે રાજ્ય સંઘોને આ માટે 30 દિવસનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રેલવે, સેના અને યુનિવસિર્ટીનું સ્થાયી સભ્યપદ પણ ચાલુ રાખવાનો ફેંસલો લીધો છે. બીસીસીઆઇના વકીલે 70 વર્ષથી ઉપરના કોઇ સભ્ય થઈ શકે નહીં તેના પર દલીલ કરી હતી અને આ ભલામણ રદ કરવાની માંગી કરી હતી.
જો કે સુપ્રીમે તેના પર કોઇ નિર્ણય જાહેર કર્યો નથી.
-----------
નિરંજન શાહે સુપ્રીમના નિર્ણયને આવકાર્યો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે સુપ્રીમ કોર્ટનો આજનો ફેસલો આવકાર્યો છે. એક રાજ્ય એક મતની લોઢા કમિટીની ભલામણ સુપ્રીમે રદ કરી છે. જેના પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સર્વેસર્વા અને પાછલા ત્રણ દશકાથી શાસન ધૂરા સંભાળી રહેલા નિરંજન શાહે કહ્યંy હતું કે આથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નો સંપૂર્ણ સભ્યનો દરજ્જો જળવાઇ રહેશે. આથી ક્રિકેટની રમતના વિકાસમાં ફાયદો થશે. ભારતીય ક્રિકેટમાં સૌરાષ્ટ્રનો શાનદાર ફાળો રહ્યો છે અને સૌરાષ્ટ્રનો ક્રિકેટનો ઇતિહાસ જબરદસ્ત છે. તેને ફરી બીસીસીઆઇમાં સંપૂર્ણ દરજ્જો પ્રાપ્ત થવો આ રમત માટે સારી નિશાની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer