સંસદના ચોમાસું સત્ર માટે સરકાર અને વિપક્ષો સજ્જ

સંસદના ચોમાસું સત્ર માટે સરકાર અને વિપક્ષો સજ્જ
વિપક્ષો વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે

આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 16 : સંસદના 18મી જુલાઈથી શરૂ થતાં સંભવિત તોફાની સત્ર માટે કેન્દ્ર સરકાર અને વિપક્ષો કમર કસી રહ્યા છે. બન્ને ગૃહોમાં ગતિરોધ એ હવે સામાન્ય બાબત થઈ ગઈ હોવા છતાં ચોમાસું સત્ર દરમિયાન વિવિધ મુદ્દે સરકારને ઘેરવા માટેની સંયુક્ત વ્યૂહરચના ઘડી કાઢવા આજે વિરોધ પક્ષોએ બેઠક બોલાવી હતી.
1 જુલાઈના રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન કૉંગ્રેસના પી. જે. કુરિયનની મુદત પૂરી થઈ જતાં ખાલી પડેલી આ જગ્યા પર સંયુક્ત ઉમેદવારનું નામ નક્કી કરવાની બાબત વિપક્ષોના એજન્ડા પર છે.
એવા સંકેતો મળી રહ્યા છે કે સરકાર ચોમાસું સત્ર દરમિયાન રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅનની ચૂંટણી નહીં યોજે. ભાજપે આ મુદ્દે હજી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આ હોદ્દાની ચૂંટણી માટે બંધારણે કોઈ ચોક્કસ સમયમર્યાદા ઘડી નથી અને એવાં ઉદાહરણો પણ જોવા મળે છે આ ચૂંટણી માટે નવીન પટ્ટનાયકના બિજુ જનતા દળના નવ સાંસદો પર વિપક્ષોના વિજયનો આધાર છે, પરંતુ આ નવ સાંસદોએ કોને ટેકો આપવો કે મતદાન વખતે ગેરહાજર રહેવું તે અંગે પોતાનાં પત્તાં ખોલ્યાં નથી. જોકે, જગમોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસે ભાજપના ઉમેદવારની વિરુદ્ધમાં મત આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારની બેઠકમાં વિપક્ષોએ લિન્ચિંગ, દલિતો પર અત્યાચારો, ખેડૂતોની સમસ્યાઓ, મહિલાઓની સુરક્ષા વગેરે મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી કાઢી હતી.
 
મહિલા અનામત માટે રાહુલે મોદીને લખ્યો પત્ર
નવી દિલ્હી, તા. 16 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના ચોમાસુ સત્રમાં મહિલા અનામતનો ખરડો લઈ આવવા માગણી કરી છે. રાહુલે પોતાના પત્રમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પણ સંસદમાં મહિલા અનામતનું સમર્થન કરશે. હકીકતમાં રાહુલના આ પત્રને ટ્રિપલ તલાક વિધેયકના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. કારણ કે અગાઉ એનડીએ સરકાર ટ્રિપલ તલાક ખરડા માટે વિપક્ષનું સમર્થન માગી ચૂકી છે.  રાહુલે પત્રમાં કહ્યું હતું કે, સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળવી જોઈએ.
 
ચોમાસું સત્ર સફળ બનાવવા આજે પક્ષો સાથે સ્પીકરનું રાત્રિભોજન
નવી દિલ્હી, તા. 16: બુધવારથી શરૂ થતા 24 દિવસના સંસદના ચોમાસું સત્રની કામગીરી સરળપણે અને ફળદાયી ઢબે ચાલે તે અંકે કરવાના પ્રયાસરૂપે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને આવતી કાલે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની રાત્રિભોજન બેઠક યોજી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer