વડતાલ ગાદીપતિના વિવાદમાં રાકેશ પ્રસાદની

વડતાલ ગાદીપતિના વિવાદમાં રાકેશ પ્રસાદની
તરફેણમાં ચુકાદો, અજેન્દ્ર પ્રસાદને ફટકો
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.16: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના ગાદીપતિ માટે છેલ્લા 16 વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં આજે નડિયાદ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.  સત્સંગ મહાસભાએ મંદિરના ગાદીપતિ તરીકે રાકેશ પ્રસાદની કરેલી નિમણૂંકને યોગ્ય ઠેરવી કોર્ટે આચાર્ય રાકેશ પ્રસાદજીની તરફેણમાં ચૂકાદો આપ્યો છે અને અજેન્દ્ર પ્રસાદજીને ફટકો લાગ્યો છે.
આજે વહેલી સવારથી કોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકો તેમજ સત્સંગીઓ કોર્ટ સુંકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેડા જિલ્લા પોલીસે મંદિર તેમજ કોર્ટમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ બનવા માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયેલા અજેન્દ્ર પ્રસાદ અને આચાર્ય રાકેશ પ્રસાદ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો હતો. બન્ને આચાર્યો ગાદીપતિ હોવાનો દાવો કહી રહ્યા હોવાથી  કાનૂની જંગ ખેલાયો હતો.  વડતાલ મંદિરના ગાદીના પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદે સંપ્રદાયના નિયમ વિરુધ્ધ જઇને વઢવાણ ખાતે ત્રીજી ગાદી સ્થાપીને શ્રીજી મહારાજના આદેશો અને પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યુ હોવાના આક્ષેપો થયા હતા. બ્રહ્મચારી અને સાધુને દીક્ષા ન આપવી, ગૃહસ્થ હરિભક્તોને ગુરુમંત્ર ન આપવો, નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કે પુન: પ્રતિષ્ઠા ન કરવી, હરિભક્તોના ત્યાં પધરામણી ન કરવી, ભેટ મંદિરમાં જમા ન કરાવવી અને તે પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લેવા જેવા અનેક મુદ્દાઓને લઇને અજેન્દ્ર પ્રસાદ વિવાદમાં આવ્યા હતા. જેને લઇને 31 જાન્યુઆરી 2003ના રોજ સાળંગપુર ખાતે સંતો અને હરિભક્તોની એક મહાસભા મળી હતી અને દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરીને અજેન્દ્ર પ્રસાદજી નરેન્દ્ર પ્રસાદજી પાંડેને ગાદીપતિ તરીકે પદભ્રષ્ટ કર્યા હતા અને રાકેશ પ્રસાદને ગાદીપતિ તરીકે બેસાડયા હતા.
વર્ષ 1984માં ગાદીપતિ તરીકે નિયુક્ત કરાયેલા અજેન્દ્ર પ્રસાદને વર્ષ 2003માં પદભ્રષ્ટ કરાતાં સમગ્ર મામલો નડિયાદ કોર્ટમાં પહોંચ્યો હતો.આ દાવાના કેસ સંદર્ભે નડિયાદના ત્રીજા સનિયર સિવિલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જી.શાહની કોર્ટમાં છેલ્લા છ માસથી  રોજ  કાર્યવાહી ચાલી હતી. કોર્ટ દ્વારા સમગ્ર કેસનું અવલોકન કરાયું હતું. દરમિયાન 16 વર્ષ જૂના કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટે  ગાદીપતિના મામલે આચાર્ય રાકેશ પ્રસાદજીની તરફેણમાં મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો અને તેઓ મંદિરમાં સેવા આપશે જ્યારે અજેન્દ્ર પ્રસાદ મંદિરમાં આચાર્ય તરીકે દરજ્જો નહીં સંભાળી શકે. આમ, કાનૂની જંગમાં હાલના આચાર્ય રાકેશ પ્રસાદજીનો વિજય થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer