ધ્રાંગધ્રામાં પોલીસે લાંચ પેટે કોરા કાગળનું બંચ માગ્યું ?

ધ્રાંગધ્રા, તા. 16: ધ્રાંગધ્રામાં પાસપોર્ટના અરજદાર પાસે લાંચ પેટે રોકડ રકમના બદલે કોરા કાગળના બંચની માગણી કરવામાં આવી હતી. આ બાબતેનો ઓડિયો વાયરલ થયો હતો તેમજ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારે લાંચની માગણી કરનાર એલઆઇબી શાખાના પોલીસ કર્મચારી પરેશ રવજીભાઇ પટેલ સામે કેવાં પગલાં લેવાશે તેના પર નજર રાખવામાં આવી રહી છે.
ધ્રાંગધ્રામાં જોગાસર રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા જોગેશ એમ. ઘેલાણીએ પાસપોર્ટ માટે અરજી કરી હતી. પાસપોર્ટના વેરિફિકેશન માટે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ગયા હતા. આ સમયે સાક્ષીના ડોક્યુમેન્ટ સાથે ન હોવાથી એક ઝેરોક્ષ દેવાનું કામ બાકી રહ્યું હતું. બાદમાં એલઆઇબી શાખામાં નોકરી કરતાં પોલીસ કર્મચારી પરેશ પટેલનો ફોન આવ્યો હતો. તેણે ફોન પર એવું કહ્યું હતું કે, લીગલ પેપરની એક રીમ લેતા આવજો, અમે બીજાના પૈસા લઇએ છીએ પણ આપના કાંઇ લીધેલ નથી. તો રીમનું એક પેકેટ લેતા આવજો. તે દિવસે સાંજે પણ ફોન આવ્યો હતો અને હાલ રથયાત્રા છે, પોલીસ સ્ટેશનમાં કાગળ નથી તો તાત્કાલિક કાગળ આપી જાવ. આ ફોનનું કોલ રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું.
આ રેકોર્ડિંગ સાથે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરીને રોકડ રકમના બદલે કોરા કાગળના બંચની માગણી કરનાર પરેશ પટેલ સામે પગલાં લઇને ભ્રષ્ટાચાર બંધ કરાવવાની માગણી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer